(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮ : ઇડીએ દેશની જાણીતી મલ્ટી લેવલ માર્કેટિંગ(એમએલએમ) અને ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ પૈકીની એક એમવેની ૭૫૭ કરોડ રૃપિયા સંપત્તિ ટાંચમાં લીધી છે.ઇડીએ આ કાર્યવાહી મની લોન્ડરિંગના ભાગરૃપે કરી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એક નિવેદન જારી કરી આરોપ મૂક્યો છે કે એમવે મલ્ટી લેવલ માર્કેટિંગ કૌભાંડ ચલાવી રહી હતી.ઇડીએ વધુમાં જણાવ્યું છે કે એમવે ડાયરેક્ટ સેલિંગ મલ્ટી લેવલ માર્કેટિંગ નેટવર્કની આડમાં પિરામિડ ફ્રોડ કરી રહી છે.કંપની દ્વારા લાલચ આપવામાં આવતી હતી કે તમે વધુ સભ્યો બનાવશો તો તમને વધુ લાભ થશે.આ દરમિયાન એમવેના પ્રવક્તાએ જણાવ્યું છે કે તેઓ ઇડીના અધિકારીઓને તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છે.
ઇડીએ એમવે ઇન્ડિયાની ૭૫૭.૭૭ કરોડ રૃપિયાની મિલકતો ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. આ કંપની પર મલ્ટી લેવલ માર્કેટિંગ કૌભાંડ ચલાવવાનો આરોપ છે.ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામા આવેલા એમવેની જમીન અને ફેક્ટરી, પ્લાન્ટ, મશીનરી, વાહનો, બેંક ખાતાઓ અને ફિકસ્ડ ડિપોઝીટનો સમાવેશ થાય છે.ટાંચમાં લેવામાં આવેલ કુલ સંપત્તિમાં ૪૧૧.૮૩ કરોડ રૃપિયાની ચાલુ અને સ્થિર મિલકતોનો સમાવેશ થાય છે.જ્યારે બાકીની ૩૪૫.૯૪ કરોડ રૃપિયાની સંપત્તિમાં એમવેના બેંક ખાતાઓમાં જમા રકમનો સમાવેશ થાય છે.

