(પીટીઆઇ) કોલંબો, તા. ૨૨ : શ્રીલંકાની નાણાકીય કટોકટી સતત વધી રહી છે.જેના કારણે મોંઘવારી પણ સતત વધી રહી છે.શ્રીલંકા સરકારના આંકડા દર્શાવે છે કે ચાલુ વર્ષે માર્ચમાં અહીં ફુગાવાનો દર વધીને ૨૧.૫ ટકા થઇ ગયો છે.આ દરમિયાન શ્રીલંકાના નાણા પ્રધાન અલી સાબરીએ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે.આ મુલાકાતમાં તેમણે શ્રીલંકા માટે ચાર અબજ ડોલરના બેલઆઉટ પેકેજની માગ કરી છે.થોડા દિવસ પહેલા જ આઇએમએફ અને વર્લ્ડ બેંકે શ્રીલંકાની સ્થિતિ અંગે ચેતવણી આપી હતી.શ્રીલંકન સરકારે જારી કરેલ આંકડા અનુસાર નેશનલ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(એનસીપીઆઇ( હેઠળ શ્રીલંકાનો રાષ્ટ્રવ્યાપી ફુગાવાનો દર ફેબુ્રઆરી, ૨૦૨૨માં ૧૭.૫ ટકા હતોે જે માર્ચમાં વધીને ૨૧.૫ ટકા થઇ ગયો છે.આ આંકડામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ખાદ્ય ફુગાવો ગયા મહિને ૨૪.૭ ટકા હતો જે વધીને માર્ચમાં ૨૯.૫ ટકા થઇ ગયો છે.સરકારના આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં ખાદ્ય વસ્તુઓના ભાવમાં ૨૯.૫ ટકાનો વધારો થયો છે.ભારતે આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે ૪૦ કરોડ ડોલરની કરન્સી સ્વેપ સુવિધાની મુદ્દત વધારી દીધી છે.ઉલ્લેખનીય છે કે શ્રીલંકા પોતાની સ્વતંત્રતા પછી સૌથી મોટી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે.રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્સેના નેતૃત્ત્વવાળી સરકારે ૧૨ એપ્રિલે અસ્થાયી ધોરણે વિભિન્ન દેવાઓની ચુકવણી સ્થગિત કરી દીધી હતી.ત્યારબાદ આ પ્રથમ પ્રસંગ છે જ્યારે બંને દેશો માટે ધિરાણની સુવિધા આગળ વધારવામાં આવી છે.


