મહેસાણા : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર પર રચાયેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે બે દિવસ કમોસમી વરસાદની આગાહી વચ્ચે બુધવારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અને ક્યાંક વરસાદી છાંટાના કારણે તાપમાન ૩૭થી ૩૮ ડિગ્રી જેટલું નીચું આવતાં ગરમીથી રાહત મળી હતી.જો કે, ગુરુવારે ખુલ્લા આકાશમાંથી અગનગોળા વરસ્યા હોય તેમ દેહદઝાડતી ગરમીથી લોકો અકળાયા હતા અને આગામી દિવસોમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચવાની આગાહી વચ્ચે એપ્રિલ મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી સહન કરવી પડે તેવી સંભવાના છે.
મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ૪૦ ડિગ્રી આસપાસ રહ્યા બાદ બુધવારે આકાશ વાદળછાયું બન્યું હતું.સૂર્યનારાયણ વાદળો પાછળ ઢંકાઈ જતાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ પણ ઘટ્યું હતું અને મહત્તમ તાપમાન ૨થી ૩ ડિગ્રી જેટલા ઘટાડા સાથે ૩૭થી ૩૮ ડિગ્રી જેટલું નોંધાયું હતું.દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા અને ઠંડા પવનો પણ ફૂંકાયા હતા.જેના કારણે ગરમીથી સામાન્ય રાહત મળી હતી.પરંતુ ગુરુવારે વાદળો વિખેરાતાં જ સૂર્યનારાયણનો પ્રકોપ સવારથી જ શરૂ થઈ ગયો હતો.બપોરે તો માર્ગો પર ફરતા લોકોનાં હાથ-પગ, મોં વગેરે ખુલ્લાં અંગો પર જાણે અંગારા વરસતા હોય તેવો અહેસાસ લોકોને થતો હતો.
દિવસે તડકામાં તપેલા રોડ અને બિલ્ડીંગોમાંથી છૂટતી ગરમીના કારણે સાંજે પણ ગરમીથી રાહત નહોતી મળી.૪૦ ડિગ્રીથી વધુ તાપમાન વચ્ચે અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકો શેરડી રસ, ઠંડાં પીણાં, એસી અને પંખા સહિતનો સહારો લેવા મજબૂર બન્યા છે.ગુરુવારે એક જ દિવસે તાપમાનમાં અઢીથી ત્રણ ડિગ્રી જેટલો વધારો નોંધાવા સાથે ઉત્તર ગુજરાતનાં વિવિધ સ્થળોનું તાપમાન ફરીથી ૪૦ ડિગ્રી પાર કરીને ૪૦થી ૪૧ ડિગ્રી જેટલું નોંધાયું હતું.આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ૩થી ૪ ડિગ્રી જેટલો વધારો થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.જે સાથે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં સતત હીટવેવ અને ૪૦થી ૪૪ ડિગ્રી જેટલું તાપમાન રહેવાની સંભાવના છે.એપ્રિલ મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીની સંભાવના હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે.
હીટવેવથી બચવા સલાહ
સુતરાઉં, ખુલ્લાં અને હાથ-પગ પૂરા ઢંકાય તેવાં કપડાં પહેરવાં.બાળકો, વૃદ્ધો, સગર્ભા અને બિમાર વ્યક્તિઓએ બપોરે ૧૨થી ૪ વાગ્યા દમરિયાન બહાર નિકળવાનું ટાળવું.અન્ય લોકોએ પણ બને ત્યાં સુધી બપોરે ૧૨થા ૪ વાગ્યા દરમિયાન બહાર નિકળવાનું ટાળવું.ઉઘાડા પગે ન ચાલવું.આ સમય દરમિયાન વધુ પાણી તેમજ વિટામિન સી વાળાં પીણાંનું સેવન કરવું.ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાય તો અવારનવાર ભીના કપડાથી શરીર લુંછવું.ગરમીની ઋતું દરમિયાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું.


