મુંબઈ : રિઝર્વ બેન્કની એમપીસીની અચાનક મળેલી બેઠકમાં વ્યાજના દર (બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ) 40 બેસીસ પોઈન્ટ વધારીને 4.40 ટકા કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.તેને કારણે હોમલોન, ઓટો લોન, પર્સનલ લોન સહિતની લોન મોંઘી થશે અને ઈએમઆઈ વધશે તો બીજી તરફ ડિપોઝિટના રેટમાં પણ વધારો થશે, જે સિનિયર સિટીઝન માટે લાભદાયક રહેશે.રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ઓગસ્ટ 2018 પછી પ્રથમવાર વધારો કરવાનું પગલું ભરાયું છે.આ અણધાર્યા પગલાંથી શેરબજાર અવાચક થઈ ગયું હતું અને સેન્સેક્સ 1306 પોઇન્ટ તૂટ્યો હતો.ફુગાવાને નિયંત્રણમાં લેવા માટે આ પગલું લેવાયું છે.આ સાથે રેટ કટની સાઈકલ પૂરી થઈ છે.રિઝર્વ બેન્ક આગામી એક વર્ષમાં ત્રણ વખત વ્યાજદર વધારે તેવી શક્યતા ઇકોનોમીસ્ટો મૂકે છે.
ગવર્નર શક્તિકાંત દાસના વડપણ હેઠળ મોનિટરી પોલિસી કમિટી (MPC)ની મળેલી બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો (CRR) પણ 50 બેસીસ પોઈન્ટ વધારીને 4.5 ટકા કરી દેવાનો નિર્ણય લેવાયો હતો.તેને કારણે બેન્કિંગ સિસ્ટમમાંથી ~87,000 કરોડની લિક્વિડિટી ઓછી થઈ જશે.સીઆરઆરનો અમલ 21 મેથી થશે.સીઆરઆર એટલે બેન્કોએ રિઝર્વ બેન્ક પાસે રાખવી પડતી ચોક્કસ રકમ, જેને કારણે હવે બેન્કો પાસે લિક્વિડિટી ઓછી રહેશે.ઓગસ્ટ 2018 પછીથી સૌપ્રથમવાર રેપો રેટમાં વધારો કરાયો છે.એમપીસીની બેઠકમાં રેપો રેટ વધારવાનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો. રિઝર્વ બેન્કે તેનું એકોમોડેટિવ સ્ટેન્સ જાળવી રાખ્યું છે, પરંતુ ફુગાવો ડામવા ગમે તે પગલાં લેવાશે તેમ પણ કહેવાયું છે.એ જ રીતે જો વૈશ્વિક પરિસ્થિતિ સાનુકૂળ થાય ત્યારે તે વ્યાજના દર ઘટાડી પણ શકે છે.
છેલ્લાં ત્રણ મહિનાથી રિટેલ ફુગાવાનો દર 6 ટકાથી વધારે રહ્યો છે અને દાસે કહ્યું છે કે એપ્રિલનો ફુગાવાનો દર પણ ઊંચો જ આવશે.માર્ચનો ફુગાવાનો દર 6.9 ટકા રહ્યો હતો.પેટ્રોલ-ડીઝલના ભાવ ઊંચા છે અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પણ સતત ઊંચા છે જેને કારણે પણ ફુગાવો વધી રહ્યો છે.આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ફુગાવાનું દબાણ સતત વધી રહ્યું છે.ખાસ કરીને ખાદ્યચીજોનો ફુગાવો ખાસ્સો વધી ગયો છે.તેમણે કહ્યું કે જો આટલી મોંઘવારી વધુ લાંબા સમય સુધી રહેશે તો જોખમ વધશે.આર્થિક વૃદ્ધિદર સાતત્યપૂર્ણ રીતે આગળ ધપાવવો હશે તો ફુગાવાને કાબૂમાં લેવો પડશે.દાસે કહ્યું કે એમપીસીને લાગ્યું કે ફુગાવો જે રીતે વધી રહ્યો છે તે જોતા સમયસર યોગ્ય પગલું લેવું જરૂરી બની ગયું છે.બરાબર બે વર્ષ પછી એમપીસીએ તેનો રેટ કટનો નિર્ણય રિવાઈસ કર્યો છે. 22 મે, 2020ના રોજ એમપીસીએ રેપો રેટ 40 બેસીસ પોઈન્ટ ઘટાડીને 4 ટકાના ઐતિહાસિક નીચા સ્તર પર કર્યો હતો.એમપીસીની આગામી મીટિંગ 6-8 જૂને મળશે.
40 વર્ષના સૌથી ખરાબ ફુગાવાનો સામનો કરી રહેલા અમેરિકાએ બુધવારે ટૂંકાગાળાના બેન્ચમાર્ક વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી.2000ની સાલ પછી વ્યાજ દરમાં કરાયેલો આ સૌથી મોટો વધારો છે.ફેડરલ રિઝર્વ દ્વારા ચાવીરૂપ વ્યાજ દરમાં કરાયેલા આ વધારાથી તે 0.75 ટકાથી 1 ટકાની રેન્જમાં આવ્યો છે.અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરવા ઉપરાંત તેની 9 ટ્રિલિયન ડોલરની બેલેન્સ શીટ પણ ઘટાડવાના નિર્ણયની જાહેરાત કરી હતી.આગામી એક વર્ષમાં વધુ પોણાથી એક ટકા સુધી વ્યાજ દર વધારશે.યુક્રેન યુદ્ધને કારણે વકરેલા ફુગાવાને નિયંત્રણમાં લેવા સતત બીજી મિટિંગમાં વ્યાજ દરમાં વધારો કરાયો છે.
બેન્ચમાર્ક પોલિસી રેટ (રેપો રેટ) તાત્કાલિક અસરથી 40 બેસીસ પોઈન્ટ વધારીને 4.4 ટકા કરાયો
ઓગસ્ટ 2018 પછીથી સૌપ્રથમવાર રેપો રેટમાં વધારો
કંપનીઓ અને લોકો માટે ઋણ મોંઘું બનશે
કેશ રિઝર્વ રેશિયો (CRR) 50 બેસીસ પોઈન્ટ વધારીને 4.5 ટકા કરાયો જેનો અમલ 21 મેથી થશે
એકોમોડેટિવ સ્ટેન્સ જાળવ્યું, પણ ફુગાવાને ધ્યાનમાં લઈને કોઈપણ નિર્ણય લેશે
વૈશ્વિક કોમોડિટીના ઊંચા ભાવને કારણે ફુગાવો ઊંચો રહેશે
અનેક દેશોમાં ફરી લોકડાઉન અને સપ્લાય ચેઈન ડિસરપ્શનને કારણે લોજિસ્ટિક્સ ખર્ચ વધશે
ફર્ટિલાઈઝરના ભાવ અને અન્ય ઈનપુટ કોસ્ટ વધવાથી ખાદ્યચીજોના ભાવ પર સીધી અસર થઈ
વૈશ્વિક બજારમાં ઘઉંની તંગીને કારણે સ્થાનિક બજારમાં સપ્લાય સારો હોવા છતાં ભાવ વધ્યા
એમપીસીની આગામી મીટિંગ 6-8 જૂનના રોજ યોજાશ
રેપો રેટ વધતા આગામી દિવસોમાં બેન્કો અને હાઉસિંગ કંપનીઓ દ્વારા હાઉસિંગથી લઇને કાર અને પર્સનલ લોન સહિતની દરેક લોનના દરમાં વધારાશે. મોટા ભાગની બેન્કો/ કંપનીઓ દ્વારા હાઉસિંગ માટેની લોનના સ્લેબ અનુસાર સૌથી નીચલો વ્યાજદર 6.50-6.75 ટકાની રેન્જમાં છે.0.40 ટકાનો વધારો ગણીએ તો લગભગ 7% આસપાસ થશે.નવા દરને ગણતરીમાં લઇએ તો ~એક લાખની લોન 6.80% વ્યાજના આધારે હાલની ઇએમઆઈ ~763થી વધીને ~787 થશે. એટલે કે ~24નો વધારો થશે અને જો ~એક કરોડની લોન રહેશે તો 7.15 ટકાના વ્યાજદરે વર્તમાન ~78,433નો હપ્તો નવા 7.55 ટકાના દરે ~80,865 થતાં ~2,432 સુધી વધશે.જ્યારે કાર લોન 7.50-7.75% થી શરૂ થતી હોવાથી તે વધીને 8% ઊપર જશે. જ્યારે પર્સનલ લોન 11% આસપાસ પહોંચશે.
હોમ લોનના નવા સંભવિત દર
લોનની રકમ જુના નવા (સંભિવત)
રૂ.20 લાખ સુધી 6.80% 7.20%
રૂ.20-70 લાખ સુધી 7.05% 7.45%
રૂ.70 લાખ-2 કરોડ સુધી 7.15% 7.55% (એચડીએફસીના વર્તમાન દરને આધારે)

