અમદાવાદ,તા.12 મે 2022, ગુરૂવાર : મુંબઇ સેન્ટ્રલ-ગાંધીધામ શતાબ્દી એક્સપ્રેસમાં ૧૭ મે થી કાયમી ધોરણે ‘વિસ્ટા ડોમ કોચ ‘ જોડવામાં આવશે.ગત મહિને પ્રાયોગિક ધોરણે એક કોચ જોડાયો હતો જેમાં મુસાફરોના મળેલા સારા પ્રતિસાદને જોતા પશ્ચિમ રેલવે દ્વારા હવે કાયમી ધોરણે આ ટ્રેનમાં બે વિસ્ટા ડોમ કોચ જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગાંધીનગરથી મુંબઇની મુસાફરી આ કોચના લીધે મુસાફરો માટે યાદગાર પુરવાર થઇ રહી છે.પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ ટ્રેન નં. ૧૨૦૦૯/૧૦ મુંબઇ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ શતાબ્દી એક્સપ્રેસમાં તા.૧૭ મે થી કાયમી ધોરણે બે વિસ્ટાડમો કોચ જોડાશે.
કાચની મોટી બારીઓ, કાચની છત, ચારે બાજુ ફરતી ખુરશી, એક નિરિક્ષણ રૂમ સહિતની સુવિધાઓથી સજ્જ આ વિસ્ટાડોમ કોચમાં ૪૪ સીટ હોય છે.પ્રાયોગિક ધોરણે એક મહિના માટે આ કોચ જોડાયો હતો. જેમાં ૨,૦૫૮ જેટલા મુસાફરોએ આ કોચની મુસાફરીનો લાભ લીધો હતો.આ કોચની માંગ વધી રહી છે, સીટો ફુલ જઇ રહી છે મુસાફરોને ટ્રેનની એક અનોખી, રોમાંચક, યાદગાર મુસાફરી પુરી પાડતા આ કોચની લોકપ્રિયતા વધતા પશ્ચિમ રેલવે દ્વારા કાયમી ધોરણે બે કોચ જોડવાનો નિર્ણય લીધો છે.વિસ્ટોડોમ કોચની બુકિંગ હવે શતાબ્દી એક્સપ્રેસના અન્ય કોચ સાથે જોડી દેવાયું છે.પીઆરએસ કાઉન્ટર અને આઇઆરસીટીસીની વેબસાઇટ પર આ કોચના બુકિંગની સુવિધા મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે.
નોંધપાત્ર છેકે અમદાવાદ વિભાગમાં ગાંધીનગરથી એકતાનગર એક્સપ્રેસ ટ્રેનમાં વિસ્ટાડોમ કોચ જોડાયા બાદ ગાંધીનગર-મુંબઇ સેન્ટ્રલ શતાબ્દી ટ્રેનમાં એક માસના પ્રાયોગિક ધોરણે ગત તા.૧૧ એપ્રિલથી જોડવામાં આવ્યો હતો.આ કોચમાં બેસીને મુસાફર પ્રાકૃતિક નજારો માણી શકે છે.કોચની માંગ વધતા હવે કાયમીધોરણે તેને લગાવવાનું નક્કી કરાયું છે.જેને લઇને મુસાફરોમાં આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.


