ભાવનગર : એલપીજીના ભડકે બળતા ભાવ અને મોંઘવારીના મુદ્દે ભાવનગરમાં કોંગ્રેસ દ્વારા ગેસ સિલિન્ડરની હરાજી અને બાટલા ફોડવાનો નવતર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમમાં પોલીસે દોડી જઈ કાર્યકરોની ટીંગાટોળી કરી ડિટેઈન કર્યા હતા.
૧૦૦ દિવસમાં મોંઘવારી ઘટાડવાના ઠાલા વચનો આપી ભાજપ સત્તારૂઢ થઈ છે.પરંતુ ૯ વર્ષના શાસનમાં ભાજપે મોંઘવારી વધારવાના બદલે ગરીબ-મધ્યમ પરિવારોની કમરતોડી નાંખે તેવી મોંઘવારી વધારી દીધી છે.ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલ અને એલપીજીના ભાવ આસમાને પહોંચાડી દેવામાં આવ્યા છે.જેના વિરોધમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ આજે શુક્રવારે શહેરના શિવાજી સર્કલ ખાતે એલપીજી સિલિન્ડરની હરાજી કર્યા બાદ માટલાના બનાવેલા સિલિન્ડરને ફોડવાનો કાર્યક્રમ યોજ્યો હતો.કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં ગેસના બાટલામાં પાંચ રૂપિયાનો ભાવ વધારો થાય તો ભાજપના મહિલા સાંસદ માથે ગેસના બાટલા લઈ વિરોધ વ્યક્ત કરતા હતા.પ્રધાનમંત્રીએ બહેનોને ચુલાના ધૂમાડામાંથી મુક્તિ આપવા ગેસ કનેક્શન આપ્યા બાદ અસહ્ય ભાવ વધારો ઝીંક્યો છે.ત્યારે આંખો બળશે તો સારૂ પણ ગેસમાં ભાવ વધારાથી લોકોના દીલ બળવા માંડયા હોવાનું કહીં ભાવ વધારા સામે વિરોધ દર્શાવ્યો હતો.વધુમાં કોંગ્રેસના સિલિન્ડરની હરાજીના કાર્યક્રમમાં પોલીસે દોડી જઈ પ્રમુખ સહિત કોંગી કાર્યકરોની ટીંગાટોળી કરી ડિટેઈન કર્યા હતા.