અમદાવાદ : રમશે અમદાવાદ,જીતશે અમદાવાદનાં સૂત્રને સાર્થક કરવા માટે નારણપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાનાં ખર્ચે નિર્માણ પામનારા આંતરરાષ્ટ્રીય સ્તરનાં સ્પોર્ટસ સંકુલનાં ખાતમુહૂર્તમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહેવાનાં છે ત્યારે આ કાર્યક્રમને ભવ્યાતિભવ સફળ બનાવવામાં કોઇ કચાશ ન રહી જાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ અને ખર્ચ કરવાની સઘળી સત્તા મ્યુનિ.કમિશનરને સુપરત કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર,નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવર પાછળની વિશાળ જમીનમાં આકાર પામનારા ઓલમ્પિક ગેમ્સ યોજી શકાય તેવા સ્પોર્ટસ સંકુલનું સ્વપ્ન કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા મતવિસ્તારનાં સાંસદ અમિતભાઇનું છે. તેમની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસ સંકુલ તૈયાર થવાનું છે.આ સ્પોર્ટસ સંકુલનુ ખાતમુહૂર્ત પણ અમિતભાઇનાં હસ્તે થવાનું છે તે પ્રસંગમાં કેન્દ્ર સરકારનાં મંત્રીઓ,મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત રાજય સરકારનાં મંત્રીઓ,ભાજપનાં કેન્દ્રીય અને પ્રદેશ આગેવાનોની સાથે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડવાનાં છે.
તેને ધ્યાને લઇ કોઇને હાલાકી ન વેઠવી પડે તે પ્રકારની તૈયારી કરવાની જવાબદારી મ્યુનિ.તંત્ર ઉપર આવી પડી છે.જેમાં સ્પોર્ટસ સંકુલ તરફનાં રસ્તા,દબાણ હટાવ,લાઇટ,પાણી,પાર્કિંગ,સુશોભિત સ્ટેજ, સાઉન્ડ સિસ્ટમ,એલઇડી ટીવી,બેનરો,સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત અનેક પ્રકારની તૈયારીઓ કરવા માટે વિવિધ ખાતાનાં અધિકારીઓને જવાબદારી સોંપાઇ ગઇ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કંઇ તૈયારી કરવી પડે તેના માટે હવે ટેન્ડર બહાર પાડવાનો સમય ન હોઇ ક્વોટેશનથી કામો કરાવી લેવા સહિતની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત સ્ટે.કમિટીમાં રજૂ કરવામાં આવી છે.