મુંબઈ : દેશમાં ડિજિટલ લેવડ-દેવડના વધતા ચલણ વચ્ચે આરબીઆઈના વાર્ષિક રિપોર્ટ મુજબ આર્થિક વ્યવહારમાં રૂ.2000ની ચલણી નોટનું ચલણ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે અને હાલમાં 214 કરોડ નોટ જ ચલણમાં છે,જે કુલ કરન્સી નોટ્સના માત્ર 1.6 ટકા થાય છે.દેશમાં માર્ચ-2022ના અંતે ચલણમાં કુલ 13,053 કરોડ નોટ હતી,જે માર્ચ-21ના અંતે 12,437 કરોડ હતી.દેશમાં ચલણમાં રહેલી કુલ તમામ કરન્સી નોટનું મૂલ્ય રૂ.31.05 લાખ કરોડ થયું હતું,જે ગત વર્ષે માર્ચના અંતે રૂ.28.27 લાખ કરોડ હતું.રૂ.500 અને રૂ.2000ની નોટનું કુલ ચલણમાં 87.1 ટકા યોગદાન રહ્યું હતું,જે ગત વર્ષે 85.7 ટકા હતું.
માર્ચ 2020ના અંતે રૂ.2000ની 274 કરોડ ચલણી નોટ બજારમાં ફરતી હતી,જે તે સમયે કુલ સરક્યૂલેશનમાં રહેલી નોટ્સના 2.4 ટકા હતી.માર્ચ-2021ના અંતે આ નોટ ઘટીને 245 કરોડ એટલે કે કુલ નોટના 2 ટકા થઈ હતી.ગત વર્ષે તે વધુ ઘટીને 214 કરોડ થઈ હતી જે કુલ નોટના 1.6 ટકા છે.મૂલ્યની દૃષ્ટિએ માર્ચ-2022ના અંતે રૂ.2000ની નોટનું મૂલ્ય ઘટીને કુલ ચલણી નોટના મૂલ્યના 13.8 ટકા થયું હતું, જે એક વર્ષ અગાઉ(માર્ચ-2021ના અંતે)17.8 ટકા હતું.માર્ચ-2020ના અંતે તે 22.6 ટકા હતું.રિપોર્ટ અનુસાર રૂ.500ની કરન્સી નોટનું પ્રમાણ વધીને 4554.68 કરોડ થયું હતું,જે એક વર્ષ અગાઉ 3867.90 કરોડ હતું.આમ તેમાં 34.9 ટકાનો વધારો થયો હતો.કુલ કરન્સી નોટમાં તેનું પ્રમાણ 31.1 ટકા રહ્યું હતું.ગયા વર્ષે તેનું પ્રમાણ 25.4 ટકા રહ્યું હતું.મૂલ્યની દૃષ્ટિએ તેનું પ્રમાણ વધીને 73.3 ટકા થયું હતું, જે ગત વર્ષે 60.8 ટકા હતું.બીજા ક્રમે રૂ.10ની કરન્સી નોટનું ચલણ રહ્યું હતું, જેમાં 21.3 ટકાનો વધારો થયો હતો.


