દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ નેશનલ કોન્ફરન્સ (એનસી) ના પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લાને મની લોન્ડરિંગના એક કેસમાં પૂછપરછ માટે ૩૧મીએ હાજર થવા સમન્સ પાઠવ્યું છે.કેન્દ્રીય એજન્સી જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન(જેકેસીએ)માં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે અને આ કેસના સંદર્ભમાં ફારૂખ અબ્દુલ્લાને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ફારૂખ અબ્દુલ્લાને ૩૧મી મેના રોજ દિલ્હીમાં ઈડીના મુખ્યાલય પર હાજર થવા માટે સમન્સ ઈશ્યુ કર્યું છે.
આ સંદર્ભમાં નેશનલ કોન્ફરન્સે જણાવ્યું હતું કે શ્રીનગરમાંથી લોકસભામાં સાંસદ ફારૂખ અબ્દુલ્લા આ કેસમાં તપાસ એજન્સીને સહયોગ આપી રહ્યા છે અને આગળ પણ સહયોગ આપતા રહેશે.ફારૂખ અબ્દુલ્લાને જેકેએનસી પ્રમુખ તરીકે ઈડીએ સમન્સ પાઠવ્યું છે.તેમાં કશું નવું નથી.આખા દેશમાં વિરોધ પક્ષને આવા સમન્સ અપાય છે.ઈડીએ ૨૦૨૦માં આ કેસમાં અબ્દુલ્લાની રૂ.૧૧.૮૬ કરોડની સંપત્તિઓ ટાંચમાં લીધી હતી.૮૪ વર્ષના એનસી પ્રમુખની ઈડીએ આ કેસમાં અનેક વખત પૂછપરછ કરી છે.ઈડીએ આરોપ મૂક્યો છે કે ફારૂખ અબ્દુલ્લાએ ભૂતકાળમાં જેકેસીએના પ્રમુખપદનો’દુરુપયોગ’કર્યો હતો અને સ્પોર્ટ્સ બોડીમાં કેટલીક નિમણૂકો કરી હતી,જેથી બીસીસીઆઈ દ્વારા અપાતા ભંડોળને અન્યત્ર ડાયવર્ટ કરી શકાય.

