અમદાવાદ : ઓપનર શુભમન ગિલની અડિખમ બેટિંગ,કેપ્ટન હાર્દિક પંડ્યાનો ઓલરાઉન્ડ દેખાવ અને ગુજરાત ટાઇટન્સ ચેમ્પિયન.ઇન્ડિયન પ્રીમિયર લીગની રવિવારે રમાયેલી ફાઇનલની આ છે કહાની.આ સાથે ગુજરાત ટાઇટન્સે પોતાની પહેલી જ સિઝનમાં પ્રભાવશાળી દેખાવ કરીને 2022ની આ ઝાકઝમાળ ધરાવતી ટી20 લીગ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.આઇપીએલને આ સાથે નવી ચેમ્પિયન ટીમ મળી છે જ્યારે ગુજરાત ટાઇટન્સ પોતાની પહેલી જ સિઝનમાં ચેમ્પિયન બનનારી બીજી ટીમ બની હતી.યોગાનુયોગે અગાઉ પહેલી જ સિઝનમાં ટાઇટલ જીતનારી ટીમ રાજસ્થાન રોયલ્સ(2008)હતી જેને રવિવારે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં સાત વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લગભગ એક લાખ ઉત્સાહી પ્રેક્ષકોની હાજરીમાં રમાયેલી ફાઇનલમાં રાજસ્થાનના એકેય પાસા પોબારા પડ્યા ન હતા અને સમગ્ર મેચમાં ગુજરાત ટાઇટન્સ છવાઈ ગયું હતું જેણે ટાઇટલ જીતવા માટે કોઈ કસર બાકી રાખી ન હતી.ખાસ કરીને કેપ્ટન હાર્દિક પંડ્યાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં કમાલ કરી હતી.તેને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.


