નવી દિલ્હી : ઇડીએ બુધવારે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવ્યા હતા.નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઇડીએ રાહુલ અને સોનિયાને હાજર થવા કહ્યું છે.જ્યારે કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે સોનિયા ગાંધી એજન્સી સમક્ષ હાજર થઇને તપાસમાં સહકાર આપશે.જ્યારે રાહુલ ગાંધીએ ઇડીને પત્ર લખીને જાણ કરી છે કે એજન્સી પાંચમી જૂન પછી પૂછપરછ માટે બોલાવે કેમ કે તેઓ હાલ ભારતમાં હાજર નથી.સિંઘવીએ સાથે જ મોદી સરકાર પર આરોપો લગાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે મોદી સરકારે એ વાતની જાણકારી રાખવી જોઇએ કે આ પ્રકારના ફેક કેસ દાખલ કરીને તેઓ પોતાના કાવતરામાં સફળ નહીં થઇ શકે.ઇડીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ મામલે કોંગ્રેસના બન્ને નેતાઓના નિવેદનો લેવા જરુરી હોવાથી તેમને સમન્સ પાઠવવામાં આવ્યા છે.
ઇડી દ્વારા સોનિયા ગાંધીને આઠ તારીખે જ્યારે રાહુલને બીજી તારીખે હાજર થવા કહ્યું છે.નેશનલ હેરાલ્ડ અસોસિએટેડ જર્નલ્સ લિ.દ્વારા પ્રકાશિત થાય છે.અને તેની માલિકી યંગ ઇન્ડિયા પ્રા.લિ.ની છે.જેને કોંગ્રેસનું સમર્થન હોવાના અહેવાલો છે.આ પહેલા એજન્સીએ કોંગ્રેસના સીનિયર નેતા મલ્લીકાર્જૂન ખડગે અને પવન બંસલની પણ પૂછપરછ કરી હતી.ઇડીએ હાલમાં જ આ મામલે મની લોન્ડરિંગનો એક કેસ દાખલ કર્યો છે.ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા આ મામલે કોર્ટમાં અરજી કરાઇ છે અને તપાસની માગણી કરી છે.

