ગાંધીનગર : દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની સરકારના આઠ વર્ષ પૂરા થયાં તે નિમિત્તે ગુજરાતમાં આગામી પખવાડિયા દરમિયાન ભાજપના કાર્યકરો જનજન સુધી યોજનાઓને પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજનાર છે તેમ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેર કર્યું હતું.પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠ વર્ષના સુશાસન બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની સરકારને અભિનંદન પાઠવ્યા હતા.પાટીલે કહ્યું કે,વડાપ્રધાન મોદીએ ભારતવાસીના સન્માન,સુરક્ષા,સમૃદ્ધિ,સુખશાંતિ,ગરીબ,દલિત,પીડિત,વંચિત,છેવાડાના માનવીના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ,કાર્યક્રમો હાથ ધર્યા છે અને હવે આ યોજનાઓનો તમામ સો ટકા લાભાર્થીઓ સુધી લાભ પહોંચે એવો સંકલ્પ લીધો છે એને પૂર્ણ કરવા ભાજપ કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપન્દ્ર પટેલે કહ્યું કે,ગુજરાતમાં ભાજપના શાસન દરમિયાન લોકોના સુખ-સમૃદ્ધિ અને સલામતી માટેના લેવાયેલા પગલાંમાં છેલ્લા આઠ વર્ષમાં દેશમાં વડાપ્રધાન મોદીના વડપણ હેઠળની સરકાર રચાતા,ગુજરાતને ડબલ એન્જિનની સરકારના લીધે વધારે લાભ થયો છે.આઠ વર્ષના સુશાસનની ઉજવણી નિમિત્તે પ્રમુખ પાટીલ અને મુખ્યમંત્રી પટેલની સંયુક્ત પત્રકાર પરિષદ કમલમ્ ખાતે યોજાઇ હતી. પત્રકારોને સંબોધતાં પાટીલે કહ્યું કે,વડાપ્રધાન મોદી માટે ૧૩૦ કરોડ દેશવાસીઓ એમનો પરિવાર છે,એમની સુરક્ષાથી લઇને દરેક ક્ષેત્રની ચિંતા તેઓ કરે છે.સાથે દરેક ભારતીયને સાથે રાખી દેશને નવી ઊંચાઇએ લઇ જવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ ભાજપ સરકાર સેવા,સુશાસન,ગરીબ કલ્યાણ,નવિનતા અને દ્રઢનિશ્ચય એ પાંચ મુખ્ય સ્તંભો પર કામ કરે છે.એટલે જ ગરીબો,ખેડૂતો,મહિલાઓ,યુવાઓ સહિતની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીના સીધા બેંક એકાઉન્ટમાં જમા કરવાની શરૂઆત કરી વચેટિયાઓને જ દૂર કરી દીધા છે.
આઠ વર્ષમાં ૨.૫ કરોડ ગર્ભવતી મહિલા અને ધાત્રી માતાઓને રૂ.૧૦,૦૦૦ કરોડની સહાય,ઉજાલા યોજના હેઠળ ૩૬.૮૦ કરોડ એલઇડી બલ્બનું વિતરણ,આયુષ્યમાન યોજના વિશ્વની સૌથી મોટી યોજના હેઠળ ૧.૧૮ લાખ હેલ્થ અને વેલનેસ સેન્ટર ઊભા કર્યા,૧૮ કરોડ કાર્ડ અપાયા ને ૩.૫ કરોડ લોકોને મફત સારવાનો લાભ મળ્યો છે,તેમ પાટીલે જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ કહ્યુ કે,સમાજના તમામ વર્ગના કોઇને કોઇ વ્યક્તિને સરકારની યોજાનઓનો નાનો,મોટો લાભ મળ્યો છે એમાં કોરોનાકાળમાં વેક્સિન પૂરી પાડીને સુરક્ષા કવચ આપ્યું છે,તો ગરીબોના માથે છત,યુવાનોને મુદ્રા યોજનાનો લાભ અપાયો છે.


