અમદાવાદ : શહેરનાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ વિસ્તારોને જોડતાં મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે પૂર્ણતાને આરે છે ત્યારે મેટ્રો રેલનો મહત્તમ ઉપયોગ થાય તેવા હેતુથી મેટ્રો રેલ સ્ટેશનો આસપાસ ખાનગી વાહનચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવા મ્યુનિ.નાં પ્લોટ શોધવા અને નિયત કરવા માટે સ્ટે.કમિટી ચેરમેને તંત્રને સૂચના આપી છે.મ્યુનિ.સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન હિતેષભાઇ બારોટે જણાવ્યું હતું કે,મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી યુધ્ધનાં ધોરણે ચાલી રહી છે.તેમણે મ્યુનિ.અધિકારીઓને મેટ્રો રેલનાં અધિકારીઓ સાથે સંકલનમાં રહીને મેટ્રો રેલ સ્ટેશનોની આજુબાજુમાં મ્યુનિ.ના કે સરકારી પ્લોટ હોય તો તેને વાહન પાર્કિંગ માટે નિયત કરવાની કવાયત હાથ ધરવાની સૂચના આપી છે.
સ્ટે.કમિટી ચેરમેને જણાવ્યું હતું કે,શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં બનાવવામાં આવેલાં ફ્લાયઓવર બ્રિજની નીચેની જગ્યા પૈકી અમુક જગ્યાએ પે એન્ડ પાર્ક બનાવાયા છે,પરંતુ જ્યાં જગ્યા ખુલ્લી પડી રહી છે ત્યાં જાતજાતનાં દબાણો થઇ ગયાં છે તેથી આવા દબાણો હટાવીને બ્રિજ નીચેની જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવા માટે તંત્રને સૂચના આપવામાં આવી છે.આ સિવાય ચોમાસું નજીકમાં છે ત્યારે શહેરમાં ૫૩જેટલી જગ્યાએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય તેવી શક્યતાને ધ્યાને લઇ ત્યાં મજૂરોની ટીમો અને પાણી ઉલેચવાનાં પંપ સહિતની તૈયારીઓ કરી રાખવા માટે ઇજનેર અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.