અમદાવાદ : રવિવાર : પૂર્વમાં સામાન્ય બાબતની તકરારમાં ઘાતક હુમલાના બનાવો વધી રહ્યા છે,વસ્ત્રાલમાં મોબાઇલ ચાલુ કરવા બાબતે તકરાર કરીને યુવકને ચાકુના ઘા મારીને આરોપી નાસી ગયો હતો, ગંભીર રીતે ઘાયલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે.રામોલ પોલીસે આરોપી સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વસ્ત્રાલમાં યુવક બિમાર માતાને હોસ્પિટલે ટીફીન આપીને આવતો હતા ઃગંભીર હાલતમાં સારવાર હેઠળ
આ કેેસની વિગત એવી છે કે વસ્ત્રાલ વિસ્તારમાં તક્ષશિલા સ્કૂલ પાછળ ઉમિયાનગરમાં રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા હંસરાજભાઇ મહિપાલસિંહ તોમરે રામોલ પોલીસ સ્ટેશનમાં રૃપેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના પડોશમાં મોટા ભાઇ પરિવાર સાથે રહે છે.તેમની ભાભી બિમાર હોવાથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તા.૪ના રોજ રાતે ૯ વાગે તેમનો ભત્રીજો મનીષ મહેન્દ્રભાઇ તોમર(ઉ.વ.૧૮)તેમની ભાભીને ટિફીન આપવા માટે ગયો હતો,ટિફીન આપીને પરત આવી રહ્યો હતો.આ સમયે ૯.૪૫ વાગે તે નિરાંત ચોકડી પાસે ઉમાવન્સી પાન પાર્લર ઉપર ગયો હતો જ્યાં હાજર આરોપી રૃપેશ પટેલ સાથે મોબાઇલ ચાલુ કરવા બાબતે બોલાચાલી થતાં આરોપીએ ઉશ્કેરાઇને ફરિયાદીના ભત્રીજા ઉપર ચાકુથી જીવલેણ હુમલો કર્યો હતો,છાતીમાં ગંભીર ઇજા થતાં યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,આ ઘટના અંગે રામોલ પોલીસે કલમ ૩૦૭ મુજબ ગુનો નોંધીને નાસી ગયેલા આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


