અમદાવાદ : આજના યુગમાં સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે,લોકો એક બીજાથી દૂર થઈ રહ્યા છે ત્યારે મહેસાણાના રાંતેજ ગામના 71 સભ્યોનો પરિવાર સંયુક્ત કુટુંબની સંવાદિતાની અનોખી મિસાલ છે.આ પરિવાર‘ઈશ્વર પરિવાર’તરીકે ઓળખાય છે.મહેસાણા જિલ્લાના રાંતેજ ગામના સ્વ.ઈશ્વરલાલ રાવલના ચાર ભાઈ અનુક્રમે બાબુભાઈ,ચંદુભાઈ,મનુભાઈ અને હર્ષદભાઈનો 71 સભ્યોનો આ પરિવાર છે.13 વર્ષ પહેલાં એટલે કે 29/7/2007ના રોજ રાંતેજના આ પરિવારે દર ત્રણ મહિનામાં એક વાર ભેગા થવાનું નક્કી કર્યું હતું.તે પછી દર ત્રણ મહિને એક વાર પરિવારના તમામ 71 સભ્યો નક્કી કરેલી તારીખે મળતા હોય છે.સોશિયલ મીડિયાના સદુપયોગ કરતા રોજ રાત્રે 9.30 કલાકે પરિવારના તમામ લોકો એકત્રિત થઇને હાજરી પૂરાવે છે.રોજ રાત્રે વોટ્સપ ગ્રૂપમાં એક સ્પર્ધા પણ યોજાય છે.આ સિલસિલામાં આ વખતનો 48મો કુટુંબ મેળો સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરમાં યોજાયો હતો.
ઇશ્વર પરિવાર દ્વારા ગેટ ટુ ગેધર શરૂ કરવાનો મુખ્ય હેતુ કુટુંબ ભાવના જળવાઈ રહે,એક બીજાની આવડતનો લાભ પરિવારના દરેકને મળે,કોઈની પણ મુશ્કેલીનું નિવારણ સાથે બેસીને કરી શકાય તેનો છે.આ માટે દર ત્રણ મહિને એક વાર બધાએ મળવું એવુ નક્કી કરવામાં આવ્યું.29|7|2007થી 07/06/2022 સુધીમાં ધાર્મિક,ઐતિહાસિક જેવા અલગ અલગ જોવાલાયક સ્થળો પર 48 વાર ગેટ ટુ ગેધર કાર્યક્રમ યોજાયો છે.મિલનના દિવસે સૌ પ્રાર્થના કરી દરેક માતા-પિતાને વંદન કરે,પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પે તે પછી સાંસ્કૃતિક કાર્યક્રમ,સ્પોર્ટસ એક્ટિવિટી અને કમ ઓન ધ સ્ટેજ જેવા કાર્યક્રમ યોજાય છે.પરિવારના દરેક સભ્યોને પ્લેનમાં બેસવા મળે એ હેતુથી એક ગેટ ટુ ગેધર મુંબઈમાં યોજાયું હતુ.જેમા 1 વર્ષના બાળકથી લઈને 93 વર્ષના દાદીમા પણ આવ્યા હતા.


