અમદાવાદ : કોરોના મહામારીના નામે મ્યુનિ.માં કામ કરતાં કોન્ટ્રાક્ટરો પાસેથી લેવામાં આવતી પાંચ ટકા સિક્યોરિટી ડિપોઝિટ ઘટાડીને ૩ ટકા કરાયા બાદ તેને ફરી પાંચ ટકા કરવાને બદલે રાજય સરકારના ઠરાવના નામે ઘટાડેલી ડિપોઝિટની રાહત વધુ ૩૧-૩-૨૩ સુધી એટલે કે ૯-૧૦ મહિના સુધી લંબાવવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.
મ્યુનિ.ઇજનેર ખાતાના સૂત્રોમાંથી જ પ્રાપ્ત વિગતો અનુસાર,ઇજનેર ખાતામાં વિવિધ પ્રકારની કામગીરી કરતાં કોન્ટ્રાક્ટરોનુ કામ બરોબર છે કે નહીં અને ડિફેક્ટ લાયેબિલિટી પિરિયડ સુધી તેમાં કોઇ ગરબડ ગોટાળા થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર પાસે ફરી કામ કરાવવાનો નિયમ છે,જેમાં કોન્ટ્રાક્ટર કામ ના કરે તો તેને બ્લેકલિસ્ટ કરવા અને સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવાની જોગવાઇ કરવામાં આવે છે.મ્યુનિ.માં કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાનું પ્રમાણ નહીંવત હોય છે અને સિક્યોરિટી ડિપોઝિટ પાંચ ટકા રાખવામાં આવતી હોય છે તે પણ કામ પૂરું થયાં બાદ પ્રેમથી કોન્ટ્રાક્ટરોને પરત કરવામાં આવતી હોય છે.પરંતુ કોરોના મહામારીના નામે અને નાણાંકીય પ્રવાહિતાના નામે ઓગસ્ટ ૨૦૨૧માં કોરોના મહામારીના નામે ઇજનેર ખાતામાં કામ કરતાં કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે સિક્યોરિટી ડિપોઝિટ પાંચ ટકાને બદલે ૩ ટકા જમા રાખવાનો નિર્ણય ઉચ્ચ અધિકારીઓએ લીધો હતો.તેના માટે રાજય સરકારના ઠરાવનો આધાર લેવાયો હતો.
હાલમાં કોરોના મહામારીની કોઇ અસર વર્તાઇ રહી નથી અને મોંઘવારીની સામે કોન્ટ્રાક્ટરો ઉંચા ભાવના ટેન્ડરો ભરી રહ્યાં છે ત્યારે સિક્યોરિટી ડિપોઝિટનું પ્રમાણ પાંચ ટકા કરવાને બદલે મ્યુનિ.કમિશનરે ૩ ટકા ડિપોઝિટનો નિર્ણય ૩૧-૩-૨૩ સુધી લંબાવવાનો સરક્યુલર કરી નાખ્યો છે.કમિશનરના પરિપત્રમાં જણાવાયુ છે કે,કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ તેમજ રાજય સરકારને મળેલી રજૂઆતોને ધ્યાને લઇ ઇજારદારોની નાણાંકીય પ્રવાહિતા વધે તે માટે માર્ગ અને મકાન વિભાગે ઠરાવ કર્યો છે તેનો મ્યુનિ.માં પણ અમલ કરાયો છે.સરકારના માર્ગ-મકાન વિભાગ દ્વારા તા.૫-૪-૨૨થી સદર ઠરાવનો અમલ ૩૧-૩-૨૩ સુધી લંબાવવામાં આવ્યો છે તે અનુસાર મ્યુનિ.માં પણ મુદત લંબાવવામાં આવી છે.
જાણકાર વર્તુળોએ તો ત્યાં સુધી કહ્યું કે,મ્યુનિ.કોર્પોરેશન એક સ્વાયત્ત સંસ્થા છે,જેના નિતિ-નિયમ અલગ હોય અને હોવા જોઇએ,પરંતુ તંત્રના અધિકારીઓ અને શાસક પક્ષ પોતાના ફાયદા હોય તેવા સરકારી ઠરાવનો સીધેસીધો અમલ કરતાં હોય છે અને જ્યાં વાંધાવચકા સર્જાય તેમ લાગે ત્યાં સરકારી ઠરાવનો અમલ કરતા નથી.એટલુ જ નહીં સ્વાયત્ત મ્યુનિ.માં રાજય સરકારના કોઇ પણ ઠરાવ કે નિયમનો અમલ કરતાં પહેલાં ખરેખર તો સ્ટે.કમિટી અને જનરલ બોર્ડની મંજૂરી લેવી જરૂરી છે.જોકે કેટલાક અધિકારીઓએ સરકારી ઠરાવના અમલમા મંજૂરીની જરૂર નથી તેવો દાવો કરતા વિવાદ સર્જાયો છે.


