નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટની સર્વકાલિન શ્રેષ્ઠ ક્રિકેટર મિતાલી રાજે બુધવારે 23 વર્ષની કારકિર્દી બાદ ક્રિકેટની તમામ ફોરમેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.રાજસ્થાનના જોધપુરમાં તામિલ પરિવારમાં મિતાલી રાજનો જન્મ થયો હતો.10 વર્ષની ઉંમરથી તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને 16 વર્ષની વયે તેણે આંતરાષ્ટ્રીય સ્તરે ભારત તરફથી રમવાનો પ્રારંભ કર્યો હતો.એરફોર્સ અધિકારી પિતાની દીકરી મિતાલીની બેટિંગમાં ગજબની શિસ્ત જોવા મળતી હતી.મિતાલીએ આયરલેન્ડ સામે ડેબ્યૂ વન-ડે મેચમાં સદી ફટકારી હતી.
ઉલ્લેખનીય છે કે સચિન તેંડુલકરે પણ 16 વર્ષની ઉંમરે જ ભારતીય ટીમમાંથી રમવાની શરૂઆત કરી હતી.મિતાલીએ 23 વર્ષની ઉજ્જવળ કારકિર્દીમાં બે વખત ભારતીય ટીમને ફાઈનલમાં કેપ્ટન તરીકે પહોંચાડવાની ઉપલબ્ધિ મેળવી છે.જો કે કમનસીબે મિતાલી ભારતીય મહિલા ટીમને એકપણ વર્લ્ડ કપ જીતાડવામાં સફળ નથી રહી શકી.1976માં ભારતને સૌપ્રથમ ટેસ્ટ વિજય અપાવનાર કેપ્ટન શાંતા રંગાસ્વામી મિતાલીને ભારતને મળેલી શ્રેષ્ઠ મહિલા બેટર કહેતા સહેજ પણ ખચકાટ અનુભવતા નથી. મિતાલીની કવર ડ્રાઈવ અને બેક ફૂટ પંચ તેને મળેલી કુદરતી બક્ષીસ સમાન હતા.આ ઉપરાંત તેણે વિકસાવેલી વોટર ટાઈટ ટેકનિકનો ભાગ્યેજ કોઈ તોડ મેળવી શક્યું હતું.
રંગાસ્વામી તેમની અંતિમ મેચ રમ્યા તે ગાળામાં મિતાલીએ પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.જો કે બાદમાં તેમણે કોમેન્ટેટર,પસંદગીકાર અને ચાહક તરીકે મિતાલીની સફરને નજીકથી જોઈ છે.તેમના મતે જ્યારે કોઈ બેટ્સમેનને તેની ટેકનિકને કારણે ઓળખવામાં આવે છે ત્યારે ફક્ત બે નામ મને યાદ આવે છે.એક નામ છે સુનીલ ગાવસ્કર અને બીજું મિતાલી રાજ.રંગાસ્વામીના મતે 200ના વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં તેઓ કોમેન્ટરી કરી રહ્યા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં મિતાલીની ટેકનિકથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.સાથી કોમેન્ટેટરે આ પારીને‘પોએટ્રી ઈન મોશન’ગણાવી હતી.ભૂતપૂર્વ ભારતીય મહિલા કેપ્ટન ડાયેના એડુલજીની કારકિર્દી તેના અંતિમ પડાવમાં હતી ત્યારે મિતાલીએ રેલવેની ટીમમાંથી રમવાની શરૂઆત કરી હતી.સ્થાનિક સ્તરે આ મજબૂત ટીમ હતી એટલું જ નહીં પરંતુ યુવા વયે મિતાલીને એક સારી નોકરી પણ પ્રાપ્ત થઈ હતી.

