અમદાવાદ : વૈશ્વિક અને સ્થાનિક સ્તરે ફુગાવો હદ બહાર વકરી રહ્યો હોવાના સંકેતોએ શેરબજારમાં ફરીથી નરમાઇનો આંચકો આવ્યો હતો.શેરબજાર તૂટવાની સાથે રૂપિયા પર પણ દબાણ આવ્યું હતું અને 19 પૈસા ઘટી 77.93ની નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો.સેન્સેક્સમાં 19 મે 2022 પછીનો સૌથી મોટો 1017 પોઇન્ટનો ઘટાડો નોંધાતા આંક નીચે સરકીને 54,303.44ની સપાટીએ બંધ રહ્યો હતો.એફપીઆઈએ શુક્રવારે ~4,000 કરોડની વેચવાલી કરી હતી.
બેન્ચમાર્ક 20 દિવસની મુવિંગ એવરેજની નીચે સરકતાં તેજીવાળામાં ટૂંકા ગાળામાં સુધારાની આશા પર પાણી ફરી વળ્યું હતું.આંકમાં 1000 પોઇન્ટથી વધુ ઘટાડાને કારણે રોકાણકારોની મૂડી ~3.2 લાખ કરોડ ઘટીને ~251.84 લાખ કરોડના સ્તરે રહી હતી.મિડ અને સ્મોલ કેપ શેરો જો લાર્જ કેપ શેરોના ઘટાડાની સાથે જોડાયા હોત તો બજારમાં ધોવાણ આના કરતાં પણ મોટું જોવાત એમ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.
શેરોમાં ઘટાડા પાછળ વૈશ્વિક કારણ પણ જવાબદાર હતું.યુરોપીયન સેન્ટ્રલ બેન્ક(ઇસીબી)દ્વારા જુલાઇમાં 11 વર્ષ પછી પ્રથવાર વ્યાજદરમાં વધારો કરવાના અને રાહતના પેકેજ પાછા ખેંચવાની જાહેરાત કરાઈ હતી.યુરોપ અને અમેરિકામાં ગેસોલીનના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચતા શુક્રવારે જાહેર થનારો ફુગાવો ઊંચા સ્તરે રહેવાની ભીતિ વ્યકત કરાતી હતી.બ્રાઝિલ,મેક્સિકો,ઓસ્ટ્રેલિયા,યુરોપના દેશોમાં ફુગાવો મલ્ટી-યરની ઊંચી સપાટીએ પહોંચ્યો છે.
ભારતમાં પણ આવતા સપ્તાહમાં ફુગાવો જાહેર થવાનો છે જે 8 ટકાની ઉપર રહેવાની સંભાવના છે.સ્થાનિકમાં લાર્જ કેપની સાથે આઇટી,બેન્કિંગ અને એનર્જી શેરોમાં વેચવાલી ફરી વળી હતી.હાલમાં ફાર્મા ઇન્ડેક્સ વર્ષની સૌથી નીચલી સપાટીએ જોવાયા બાદ આગામી દિવસોમાં વધુ સેક્ટોરલ આંક વર્ષની નીચી સપાટીએ જોવા મળે તો નવાઈ નહીં એમ જણાવીને એક શેરબ્રોકરે કહ્યું હતું કે,નિફ્ટીએ 16,295ની 20 દિવસની મુવિંગ એવરેજ તોડ્યા બાદ હવે 50 દિવસની મુવિંગ એવરેજ તોડશે તો સેન્ટીમેન્ટ વધુ ખરાબ બનશે.હાલ નિફ્ટી 16,000ની સપાટી તોડશે કે કેમ તે ચર્ચાનો વિષય રહ્યો છે.