સુરત : સુરત જિલ્લામાં વરસાદની આગાહી વચ્ચે વિતેલા 24 કલાકમાં સુરત શહેરમાં 1 ઇંચ,કામરેજમાં અડધો ઇંચ સહિત છ તાલુકામાં મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.ફલંડ કંટ્રોલના પ્રવકતાના જણાવ્યા મુજબ હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં વરસાદની આગાહી થયા બાદ શનિવારની રાત્રીથી જ મેઘરાજાની પધરામણી થઇ હતી. રાત્રીના ૧૨ કલાકમાં સુરત શહેરમાં ૧ ઇંચ,માંગરોળમાં ૮ મિ.મિ,ઉમરપાડામાં ૩ મિ.મિ અને ઓલપાડ,કામરેજ અને પલસાણામાં ૨ મિ.મિ વરસાદ નોંધાયો હતો.જયારે રવિવારે દિવસના કામરેજમાં અડધો ઇંચ અને ચોર્યાસી તાલુકામાં ૬ મિ.મિ વરસાદી પાણી પડયુ હતુ.સુરત શહેરમાં શનિવારે રાત્રે આવેલા વરસાદને પગલે અનેક માર્ગો પર પાણીનો ભરાવો થયો હતો.તો ઘણા વિસ્તારોમાં વિજળી ડુલ થઇ ગઇ હતી.
સુરત જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા વિતેલા ૨૪ કલાકમાં કુલ ૬૦ મિ.મિ વરસાદી પાણી પડતા ખેડતોમાં ખુશીનું મોજું ફરી વળ્યુ છે.આ સાથે વાતાવરણમાં ઠંકડ પ્રસરી જતાં લોકોને ઉકળાટ-બફારાથી રાહત મળી હતી.મીની વાવાઝોડું ફૂંકાવવાની આગાહીના પગલે તંત્ર એલર્ટ ચોમાસાની શરૃઆત સાથે જ લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થતા આગામી ૪૮ કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં કલાકના ૩૦ થી ૪૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયુ છે.તમામ તાલુકા મથકે જાણ કરાઇ છે.હવામાન વિભાગની આગાહી મુજબ એક સિસ્ટમ બની હોવાથી આગામી ૪૮ કલાકમાં સુરત શહેર અને જિલ્લામાં ભારે પવન ફૂંકાવવાની આગાહી છે.જેમાં પવનની ગતિ કલાકના ૩૦ થી ૪૦ કિ.મી ઝડપે રહેશે.વાવાઝોડુ ફૂંકાવવાની આગાહી હોવાથી ફલંડ કંટ્રોલ રૃમમાંથી તમામ તાલુકા મથકે સાવચેત રહેવાના મેસેજ કરવાની સાથે જ જરૃર પડયે કામગીરી કરવાના મેસેજ આપી દેવાયા છે.

