સુરત : ભેસ્તાનમાં બીઆરટીએસ વર્કશોપ નજીકમાં આજે સવારે વેસ્ટેજ યાર્નના ગોડાઉનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સો સર્કિટથી આગ ફાટી નીકળી હતી જેના લીધે આગની જવાળા પહેલા માળને પણ લપેટમાં લેતા નાસભાગ થઈ જવા પામી હતી જ્યારે બીજા બનાવમાં લિંબાયતમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ થઈ હતી.
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ ભેસ્તાન ના બીઆરટીએસ વર્કશોપ પાસે રાજ ઇન્ડસ્ટ્રીયલમાં આજે સવારે ગ્રાઉન્ડ ફોર્મમાં નથી થતા આગ ભભૂકી ઉઠી હતી.જેના લીધે ત્યાં ભારે નાસભાગ થઈ જવા પામી હતી.જોકે આગ ફેલાતા પહેલા માળ પણ આગની ઝપેટમાં આવ્યો હતો.આગને લીધે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા.આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા ભેસ્તાન અને ડીંડોલી ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.જો કે ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કરવાથી બેથી અઢી કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે સમય સર આગ બુઝાવવાથી બાજુમાં આવેલું કાપડ યુનિટ બચાવી લીધું હતું.આગને લીધે યાર્નના બોબીનનો જથ્થો,મશીનો,પતરાઓ,વેસ્ટેજ યાર્ન,વાયરીંગ સહિતની ચીજવસ્તુઓમાં નુકસાન થયું હતું.આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર ઓફિસર દિનેશ પટેલે કહ્યું હતું.
બીજા બનાવમાં લિંબાયતમાં મીઠી ખાડી ખાતે શરીફ નવાઝ શેરીમાં પ્લાસ્ટિક અને દાણાના ગોડાઉનમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી આગના લીધે વધુ ધુમાડો નીકળતા ત્યાં સ્થાનિક લોકોમાં ભાગદોડ અને અફડાતફડી મચી જવા પામી હતી.જોકે આગની જ્વાળા ને લીધે બાજુમાં આવેલા મકાનના બારીના બે-ત્રણ કાચ ફૂટી જતા સ્થાનિક લોકો ગભરાઈ ગયા હતા.આ અંગે ડુંભાલ,મજુરા ગેટ, ભેસ્તાન,નવસારી બજાર,ઘાંચી શેરી ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર કાફલો ત્યાં પહોંચી ગયો હતો.અને દોઢથી બે કલાકમાં આગ ઓલવી હતી.આગમાં પ્લાસ્ટિકનો વેસ્ટેજ,વજન કાંટો,પતરા તથા એક મોપેડ સળગી ગઈ હતી.આ બનાવમાં કોઇ જાનહાનિ નહીં થઈ હોવાનું ફાયર ઓફિસર ફાલ્ગુન ગઢવીએ જણાવ્યું હતું.

