અમદાવાદ : રવિવાર,12 જુન,2022 : ગ્રીન સીટી અમદાવાદ અને પર્યાવરણ બચાવોના અપાતા રુપાળા સૂત્રોની વચ્ચે શહેરની એકમાત્ર એવી સાબરમતી નદીમાં છોડવામાં આવતા ગટરના ગંદા પાણીની અસર છેક ખંભાત સુધીના ચોવીસ ગામ સુધી થઈ રહી છે.હાંસોલ સુધી સાબરમતી નદીના પાણીનો રંગ આછો વાદળી હોય છે.આ પાણી મિરોલી અને વૌઠા સુધી પહોંચતા સી-ગ્રેડ અને પાણીનો રંગ લીલો થતો હોવાનું તારણમાં બહાર આવ્યુ છે.આટલુ ઓછુ હોય એમ આ પાણીની મદદથી પકવવામાં આવતા શાકભાજી અમદાવાદના લોકો ખાય છે.
સાબરમતી અને ફતેહવાડી કેનાલમાંથી ટ્રીટેડ ગટરના પાણી છોડવામાં આવતા વૌઠા સુધીના નદીકાંઠાના નિચાણવાળા ગામો અને ફતેહવાડી સિંચાઈ યોજનાના કમાન્ડ એરિયામાં આવેલા ગામોને અસર થાય છે.ફતેહવાડી નહેર વિસ્તારમાં ડાંગર સહિતના ખેતીપાકો ઉપરાંત શાકભાજીની ખેતી કરવામાં આવે છે.જો કે ટ્રીટ કરેલા પાણીના પ્રદૂષણને લઈ ખેડૂતોએ વાંધો લેતા ફતેહવાડી નહેરમાં ટ્રીટ કરેલ પાણી આપવાનું બંધ કરવુ પડયુ હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.અમદાવાદની દક્ષિણે નદીના ડાઉન સ્ટ્રીમમાં આવેલા ગામો અને સાબરમતી નદીના પ્રવાહના માર્ગની બંને બાજુએ અભ્યાસ કરવામાં આવ્યો છે.
ગટરનું પાણી ટ્રીટ કર્યા પછી પાણીમાં કેટલા તત્વો હોવા જોઈએ તે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નકકી કરવામાં આવ્યુ છે.જેને કેન્દ્ર સરકારે પણ માન્ય રાખ્યા છે.સાબરમતી નદીના પાણી વાસણાથી આગળ જતા નદી વધુ પ્રદૂષિત બને છે.ફતેવાડી કેનાલનો બીજો બાયપાસ નદીના ડાઉન સ્ટ્રીમમાં આવેલા કૃષિ વિસ્તારો સુધી નદીના પાણી પહોંચાડે છે.જેથી ખેતીપાકોને નુકસાન થાય છે.વણઝર,કમોડ અને મિરોલી ગામના પાણીમાંથી દુર્ગંધ મારે છે.આ પાણી વટવા ઉપરાંત નારોલ અને વટવા જી.આઈ.ડી.સીમાંથી છોડવામાં આવે છે.નદીના ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં આવેલા ગામોમાં શાકભાજી પકવવામાં આવે છે જે પ્રદૂષિત પાણીથી પકવવામાં આવે છે જે શાકભાજી અમદાવાદના લોકો ખાય છે.


