અમદાવાદ : રવિવાર,12 જુન,2022 : અમદાવાદમાં રવિવારે કોરોનાના નવા ૭૯ કેસ નોંધાયા છે.કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી.૪૨ દર્દી સાજા થયા છે.થોડા સમય પહેલા શહેરમાં સરળ બનતા જનજીવનની વચ્ચે સતત વધી રહેલા કોરોનાના નવા કેસ ચિંતાનું કારણ બની રહ્યા છે.મહારાષ્ટ્ર ઉપરાંત કેરળ અને કર્ણાટક જેવા રાજયમાં જઈ પરત અમદાવાદ આવી રહેલા લોકો કોરોના પોઝિટિવ બની રહ્યા છે.શહેરના પશ્ચિમ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ એમ ત્રણ ઝોનમાં ઝોન દીઠ કોરોનાના વીસથી પણ વધુ કેસ નોંધાયા છે.
એપ્રિલ અને મે મહિનાના વેકેશનના સમયમાં અમદાવાદ શહેરથી લોકો મોટી સંખ્યામાં બહાર પ્રવાસમાં ગયા હતા.આ કારણથી જુન મહિનાની શરુઆતથી જ કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.આ ઉપરાંત અમદાવાદમાં આઈ.પી.એલ.ની મેચ પણ યોજવામાં આવી હતી.તબીબી સૂત્રોના અભિપ્રાય પ્રમાણે,ગુજરાત સિવાય દેશના કેટલાક રાજયમાં કોરોનાના કેસ વધવાની સાથે ચોથી લહેરની શરુઆત થઈ ગઈ છે.હવે જો અમદાવાદના લોકો સતર્કતા નહીં રાખે તો કેસ ઝડપથી વધશે એ બાબતમાં કોઈ શંકા નથી.
અમદાવાદમાં પહેલી જુનથી ૧૨ જુન સુધીમાં કોરોનાના કુલ મળીને ૫૬૯ કેસ નોંધાયા છે.આ પૈકી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા પ્રમાણમાં નહીવત છે.આમ છતાં આ બાબતને હળવાશમાં લેવાના બદલે તમામે કોવિડ ગાઈડલાઈનનો અમલ કરવો પડશે.માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ જાળવવાની સાથે કોરોના વેકિસન પણ લેવી પડશે.૧૨ જુને મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરના એસ.ટી.સ્ટેશન ખાતે બાર લોકોના અને રેલવે સ્ટેશને ચોવીસ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.૧૧ જુને શહેરના એસ.ટી.અને રેલવે સ્ટેશન એમ બે સ્થળોએ મ્યુનિ.દ્વારા કુલ ૩૬ લોકોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જે પૈકી એક પણ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યો નહોતો.


