કટક : તા.૧૨ : સાઉથ આફ્રિકાએ બોલરોના અસરકારક દેખાવ બાદ વિકેટકિપર બેટસમેન ક્લાસનની ૪૬ બોલમાં ૭ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથેની ૮૧ રનની ઈનિંગને સહારે ભારત સામેની બીજી ટી-૨૦માં ૧૦ બોલ બાકી હતા,ત્યારે ચાર વિકેટથી જીત હાંસલ કરી હતી.સાઉથ આફ્રિકાએ આ સાથે પાંચ ટી-૨૦ની શ્રેણીમાં ૨-૦થી સરસાઈ મેળવી લીધી હતી.જીતવા માટેના ૧૪૯ રનના પડકારને સાઉથ આફ્રિકાએ ૧૮.૨ ઓવરમાં છ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.
ભારતને કંગાળ બેટિંગ અને સ્પિનરોના નબળા દેખાવને કારણે હારનો સામનો કરવો પડયો હતો.સતત બીજી મેચમાં ટોસ જીતીને સાઉથ આફ્રિકાએ ભારતને પ્રથમ બેટિંગમાં ઉતાર્યું હતુ.શ્રેયસ ઐયરે ૪૦ અને કિશને ૩૪ રન કર્યા હતા.જોકે ભારતે ૧૭મી ઓવરમાં માત્ર ૧૧૨ રનના સ્કોર પર છઠ્ઠી વિકેટ ગુમાવી હતી.જોકે દિનેશ કાર્તિક(૨૧ બોલમાં ૩૦*)અને હર્ષલ પટેલ(૧૨*) વચ્ચેની ૧૮ બોલમાં ૩૬ રનની અણનમ ભાગીદારીને સહારે ભારતે ૬ વિકેટે ૧૪૮ રન કર્યા હતા.જવાબમાં સાઉથ આફ્રિકાની શરૃઆત કંગાળ રહી હતી.ભુવનેશ્વરે ત્રણ વિકેટ ઝડપતાં સાઉથ આફ્રિકા ૨૯/૩ પર ફસડાયું હતુ.જોકે બવુમા(૩૫)અને ક્લાસનની જોડીએ ૪૧ બોલમાં ૬૪ રન જોડયા હતા.ક્લાસન અને મીલરની જોડીએ ૨૮ બોલમાં ૫૧ રન જોડતા ટીમને જીતને આરે પહોંચાડી હતી.

