અમદાવાદ : રાજ્યની શાળાઓમા ઉનાળું વેકેશનની પૂર્ણ થતાં હવે સોમવારથી તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રોનો પ્રારંભ થશે.નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે ફીના મુદ્દે વિવાદ વકરવાની શક્યતા પણ વર્તાઈ રહી છે.નવા સત્રની શરૂઆત સાથે બાળકોના કિલ્લોલ સાથે શાળા સંકુલો ગૂંજી ઊઠશે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી શાળાઓના અભ્યાસ પર ગંભીર અસર પડી હતી.બે વર્ષ બાદ હવે શાળાઓ નવા સત્રના પ્રારંભ સાથે જ રાબેતા મુજબ શરૂ થશે.
રાજ્યની શાળાઓમાં આ વખતે વાર્ષિક પરીક્ષાઓ બે સપ્તાહ મોડી લેવામાં આવી હતી.જેના પગલે ઉનાળુ વેકેશન પણ મોડુ શરૂ થયું હતુ અને તેના લીધે જ રાજ્યની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ પણ એક સપ્તાહ મોડો થઈ રહ્યો છે.રાજ્યની શાળાઓમાં 12 જૂનના રોજ 35 દિવસના ઉનાળા વેકેશનનો અંત થઈ રહ્યો છે અને 13 જૂનથી રાજ્યની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ફરી રાબેતા મુજબ શરૂ થશે.
સોમવારથી શાળાઓ રાબેતા મુજબ શરૂ થઈ રહી છે ત્યારે નવા વર્ષના પ્રારંભ સાથે જ ફીના મુદ્દે ઘર્ષણના બનાવો પણ સામે આવે તેવી શક્યતાઓ છે.શાળાઓ પાસેથી ફી કમિટી દ્વારા દરખાસ્તો મંગાવવામાં આવી છે,પરંતુ ફી કમિટી તે અંગે નિર્ણય કરે તે પહેલા જ શાળાઓએ પોતાની રીતે ફીમાં વધારો કરી વાલીઓ પાસેથી ફી ઉઘરાવવાનું શરૂ કરી દીધું છે.જેના પગલે શાળાઓમાં નવા સત્રના પ્રારંભ બાદ વાલીઓ સાથે ઘર્ષણના બનાવો પણ ફી મુદ્દે થઈ શકે છે.રાજ્યમાં નવા સત્રના પ્રારંભ પહેલા જ મોટાભાગની શાળાઓમાં પાઠ્ય પુસ્તકો મોકલી આપવામાં આવ્યા હતા.ઉપરાંત બજારમાં પણ પુસ્તકો મોકલી દેવાયા હતા.હાલમાં ગણિત અને ગુજરાતીના પુસ્તકો સિવાય મોટાભાગના પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે.ઉપરાંત જે પુસ્તકો બાકી છે તે પણ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હાથમાં આવી જશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
આમ,આ વખતે શાળાઓની શરૂઆત સાથે જ તમામ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા છે.રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત દરવર્ષે શાળાઓ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતો હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હતી.જોકે,આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા આગોતરૂ આયોજન કરી શાળાઓ શરૂ થાય તે પહેલાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરી દીધી છે. ત્રણ રાઉન્ડની કાર્યવાહી બાદ મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો હોવાથી તેમનો પણ એક પણ દિવસનો અભ્યાસ બગડશે નહીં.


