અમદાવાદ : અમદાવાદ આરટીઓ કચેરી ખાતે અગાઉની સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબર વેચાયા વગરના પડ્યા રહ્યા હોઈ હવે તેમનું ઈ-ઓક્શન કરવાનું નક્કી કરાયું છે.આ માટે 16 જૂનથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.ગોલ્ડન અન સિલ્વર નંબરોની કિંમતમાં વધારો કરવામાં આવ્યા બાદ વાહન માલિકો આ નંબરો પ્રત્યે મોટી રકમ ખર્ચ કરતા અચકાતા હોવાના લીધે ઘણી સિરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબર વેચાયા વગરના બાકી રહ્યા છે.ગોલ્ડન અને સિલ્વર નંબર તેમની નક્કી કરેલી કિંમત કરતા ઓછી કિંમતમાં આપવામાં આવતા ન હોવાથી હવે બાકી રહેલા નંબરો માટે ઈ-ઓક્શન કરવામાં આવશે.
અમદાવાદ આરટીઓમાં નવી સિરીઝમાં ગોલ્ડન,સિલ્વર તથા અન્ય નંબરોનું ઈ-ઓક્શન કરવામાં આવે છે.જેમાં ગોલ્ડન નંબર માટેની બેઝ પ્રાઈઝ ફોર વ્હીલર માટે રૂ.40 હજાર અને ટુ વ્હીલર માટે રૂ.8 હજાર,સિલ્વર નંબર માટેની બેઝ પ્રાઈઝ ફોર વ્હીલર માટે રૂ.15 હજાર અને ટુ વ્હીલર માટે રૂ.3500 નક્કી કરવામાં આવી છે.જ્યારે બાકીના તમામ નંબરો માટે ફોર વ્હીલર માટે બેઝ પ્રાઈઝ રૂ.8 હજાર અને ટુ વ્હીલર માટે રૂ.2 હજાર નક્કી કરાઈ છે.આમ,ગોલ્ડન અને સિલ્વર નંબર માટેની બેઝ પ્રાઈઝમાં વધારો કરવામાં આવ્યા બાદ આ નંબરો લેવા માટે લોકોનો રસ ઘટ્યો હતો.
અમુક લોકો હજુ પણ ગોલ્ડન અન સિલ્વર નંબર ઉંચા ભાવે ખરીદી રહ્યા છે.પરંતુ અન્ય લોકો હવે તેમની પ્રત્યે આકર્ષાતા નથી.જેના પગલે આરટીઓની અનેક સિરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબર વેચાયા વગરના પડ્યા રહ્યા હતા.જેથી હવે અમદાવાદ આરટીઓ દ્વારા આ નંબરોનું ઈ-ઓક્શન કરવાનું આયોજન કર્યું છે.અમદાવાદ આરટીઓ કચેરીના ટુ વ્હીલર,ફોર વ્હીલર અને થ્રી વ્હીલરની અગાઉની સિરીઝના બાકી રહેલા ગોલ્ડન નંબર અને સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન કરવાનું નક્કી કરાયું છે.જેમાં ઈ-ઓક્શન માટે રિજસ્ટ્રેશન 16 જૂનના રોજ શરૂ થશે અને 18 જૂનના રોજ રજિસ્ટ્રેશન બંધ થશે.ત્યારબાદ 19 જૂનના રોજ ઓક્શન શરૂ થશે અને 20 જૂનના રોજ ઓક્શન બંધ થશે.આ દરમિયાન જે પણ વાહન માલિકો ગોલ્ડન અથવા સિલ્વર નંબર લેવા માંગતા હોય તેઓ રજિસ્ટ્રેશન કરાવી ઓક્શનમાં ભાગ લઈ શકશે.


