ગાંધીનગર : 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાશે.ગુજરાત સરકારે આ દિવસને યાદગાર બનાવવા માટે ખાસ આયોજન કર્યું છે.જે મુજબ,આ યોગ દિવસ માટે‘માનવતા માટે યોગ’ની નવી જ થીમ નક્કી કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષની કોવિડ મહામારીને કારણે આવી કોઈ જાહેર ઉજવણી શક્ય બની ન હતી.જ્યારે હવે કોરોનાના ઘટી ચૂકેલા કેસોની સંખ્યા વચ્ચે સમગ્ર દેશમાં વિશાળ જનભાગીદારી સાથે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે ત્યારે ગુજરાતમાં પણ દરેક ગામ,તાલુકા,શહેર,જિલ્લા,મહાનગપાલિકા,મહાનગપાલિકાના દરેક વોર્ડ,સાથો સાથ દરેક શાળા,કોલેજો,યુનિવર્સિટી આઈ.ટી.આઈ.,તમામ આરોગ્ય કેન્દ્રો,પોલીસ હેડક્વાર્ટર,પોલીસ સ્ટેશનો,જેલ અને શક્ય તેટલા જાહેર સ્થળોએ અંદાજે 1.25 કરોડથી વધુની જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ બાબતના સમગ્ર આયોજન ઉપર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી અને એવું નક્કી કરાયું હતું કે,હાલ દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.જેના ભાગરૂપે રાજ્યમાં ધાર્મિક,પ્રવાસન,ઐતિહાસિક સ્થળો,શૈક્ષણિક તેમજ કુદરતી સૌંદર્ય ધરાવતાં 75 આઈકોનીક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે.21મી જૂનના રોજ સવારે 6 વાગે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની શરૂઆત કરાશે.


