ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની સંભવિત ચોથી લહેરના મંડાણ શરૂ થયા છે.સોમવારથી શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કરીને શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઇ રહી છે એ પહેલાં જ વધી રહેલા સંક્રમણથી ચિંતાનું વાતાવરણ ફેલાયું છે.રવિવારે રાજ્યમાં નવા ૧૪૦ કેસ નોંધાયા હતા.શનિવારની સરખામણીએ નવા કેસ થોડાક ઘટ્યા છે,પરંતુ અમદાવાદમાં કેસની સંખ્યા ૮૧ જ રહી છે.રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ અગાઉની ત્રણેય લહેરના આરંભ વખતે મહાનગરોમાં જોવા મળતો હતો,પરંતુ આ વખતે મહાનગરોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે.મહાનગરોમાં જોઇએ તો વિતેલા ચોવીસ કલાકમાં અમદાવાદ શહેરમાંથી ૭૯ તથા ગ્રામ્યના ૨ મળી કુલ ૮૧ કેસ નોંધાયા છે જ્યારે વડોદરા શહેરમાંથી નવા ૨૧ કેસ ઉમેરાયા છે.સુરતમાં ગ્રામ્યના ૨ મળી કુલ ૧૩ કેસ તથા ગાંધીનગરમાં ગ્રામ્યના ૫ મળી કુલ ૬ કેસ નોંધાયા છે.
આ તરફ રાજકોટમાં નવા ૩ અને ભાવનગરમાંથી ૨ કેસ મળી આવ્યા છે.જ્યારે મહેસાણામાં નવા ૪,કચ્છ અને સાબરકાંઠામાંથી ૩-૩,ગીર ૨,ખેડા અને પાટણમાંથી ૧-૧ નવા કેસ નોંધાયા છે.આમ,છેલ્લા ચોવીસ કલાકમાં કુલ ૧૪૦ કેસ સામે ૬૬ દર્દી સાજા થયાનો દાવો સરકારે કર્યો છે.જોકે,કોઇ દર્દીનું મૃત્યુ થયુ નથી.આમ,અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થયેલા ૧૨,૧૪,૫૨૯ દર્દી ડિસ્ચાર્જ થયા છે.એના લીધે રિકવરી રેટ ૯૯.૦૫ ટકા રહ્યો છે.વિતેલા એક સપ્તાહમાં રિકવરી રેટમાં ૦.૪ ટકાનો ઘટાડો થયો છે.અત્યાર સુધીમાં ૧૦,૯૪૫ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે.રાજ્યના આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે, કોરોનાના દેશભરમાં વધી રહેલા સંક્રમણને પગલે તમામ સરકારી હોસ્પિટલોને સતર્ક રહેવા તેમજ જરૂર પડ્યે આઇસોલેશન વોર્ડ કાર્યન્વિત કરવા સૂચના આપવામાં આવી છે.


