મુંબઇ : મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાનાં દરદીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ આ તમામ દરદીઓમાં ઝાડા અને તાવનાં લક્ષણો જોવા મળે છે.તબીબી નિષ્ણાતોના કહેવા મુજબ આમ તો ૨૦૨૦માં મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ની મહામારી ફેલાઇ ત્યારે પણ દરદીઓમાં ઝાડા થવાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં.જોકે હમણાં લગભગ ૩૦ ટકા દરદીઓમાં પણ આ જ લક્ષણો જોવા મળે છે.
મુંબઇના ચેપી રોગના નિષ્ણાત ડોક્ટરે એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાનાં નવાં દરદીઓમાં ઝાડા થવા અથવા પેટમાં દુઃ ખાવો થવો અને તાવ આવવાનાં લક્ષણો જોવા મળે છે.આવા સંજોગોમાં કોરોનાનાં અન્ય લક્ષણો ન હોય તો પણ લોકોએ સજાગ રહેવાની જરૃર છે.
પેટનાં દરદોના નિષ્ણાત તબીબે એવી માહિતી આપી હતી કે કોરોનાનાના ચેપના નવા સ્વરૃપ ઓમીક્રોનની અસરથી દરદીને પેટમાં દુઃખાવો નથી થતો.આમ છતાં અમુક દરદીઓએ ઝાડા થયા હોવાની ફરિયાદ કરે છે.વળી,કોરોનાની મહામારી શરૃ થઇ ત્યારથી દરદીમાં તાવનું લક્ષણ સામાન્ય હતું.આમ છતાં હમણાંના અમુક કેસમાં દરદીને ૧૦૫ ડિગ્રી ફેહરનહીટ જેટલો તાવ હોય છે.વળી,શરૃઆતના ૪૮ કલાક દરમિયાન દરદીને ૧૦૨થી ૧૦૪ ડિગ્રી જેટલો તાવ રહે છે.સાથોસાથ ઠંડી,ગળામાં બળતરા અને અતિશય થાક લાગવો વગેરે લક્ષણો પણ જોવા મળે છે.આવા સંજોગોમાં દરદીને ૧૦૨ ડિગ્રી કરતાં વધુ તાવ રહે તો તરત જ ડોક્ટરનો સંપર્ક સાધવો જરૃરી છે.


