અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમમાં સુધારો કરવામાં આવ્યો છે.જે મુજબ અન્ય રાજ્યોના ઓપન બોર્ડમાંથી ધો.10ની પરીક્ષા પાસ કરી ગુજરાતમાં ધો.11માં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.માત્ર NIOSમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ જ ગુજરાતમાં ધો.11માં પ્રવેશ માટે લાયક ગણાશે.ઉપરાંત અન્ય રાજ્યોના બોર્ડમાંથી ધો.10 પાસ કરી આવતા વિદ્યાર્થી ગણિત,સામાજિક વિજ્ઞાન,વિજ્ઞાન અને અંગ્રેજી સાથે પાસ હશે તો જ તેમને રાજ્યની ધો.11ની શાળાઓમાં પ્રવેશ ફાળવવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ ક્રમાંક 12(9)(ક)માં સુધારો કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી.
આ દરખાસ્ત સરકાર સમક્ષ વિચારણા હેઠળ હતી.સરકાર દ્વારા વિચારણાના અંતે હાલની જોગવાઈના બદલે સુધારેલી જોગવાઈને મંજૂરી આપી છે.જેથી ધો.11ના પ્રવેશને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા હવે નવી જોગવાઈનો અમલ કરવામાં આવશે.નિયમની હાલની જોગવાઈ અનુસાર,અન્ય કોઈ રાજ્યમાં સંઘ રાજ્ય ક્ષેત્રમાં આવેલી શાળામાંથી આવતા વિદ્યાર્થીને જો વિદ્યાર્થીના શાળા છોડ્યાના પ્રમાણપત્ર ઉપર તે રાજ્ય કે સંઘ રાજ્યક્ષેત્રના શિક્ષણ અધિકારીએ સામી સહી કરી હોય તો રજિસ્ટર થયેલી શાળામાં તેને દાખલ કરી શકાશે.પરંતુ શાળા છોડ્યાના પ્રમાણપત્ર પર તેવી રીતે સામી સહી કરેલી ન હોય ત્યારે શાળાના વડા આવી સામી સહી કરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીને કામચલાઉ ધોરણે દાખલ કરી શકશે અને એ કેસની પુરી વિગતોનો અધિકારીને રિપોર્ટ કરી શકશે.
આ જોગવાઈમાં સુધારો કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી.જેમાં સરકાર દ્વારા નવી સુધારેલી જોગવાઈનો અમલ કરવાની મંજૂરી આપી છે.જેથી નવી જોગવાઈમાં અગાઉની જોગવાઈનો પુરેપુરો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત ધો.11ના પ્રવેશને લઈને તેમાં નવો મુદ્દો ઉમેરવામાં આવ્યો છે.જેથી હાલની જોગવાઈ ઉપરાંત ધો.11ના પ્રવેશ માટે વધારાની જોગવાઈનો સુધારો કરાયો છે.
સુધારેલી જોગવાઈમાં ધો.11માં પ્રવેશ સંદર્ભે ભારતના અન્ય બોર્ડમાંથી આવતા વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર મેળવવા બાબતના વખતો વખતના પરિપત્ર અન્વયે પ્રવેશ યોગ્યતા પ્રમાણપત્ર માટે યોગ્ય જાહેર કરવામાં આવેલા હોય તેવા બોર્ડનો વિદ્યાર્થી હોવો જોઈએ.ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિષય માળખા મુજબ ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી વિષય સાથે ધો.10 પાસ કરેલી હોય તો જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત શાળામાં ધો.11માં પ્રવેશ આપી શકાશે.
ઓપન સ્કૂલ તરીકે સમગ્ર દેશમાં NIOSનું કાર્યક્ષેત્ર હોવાથી NIOS સિવાયના અન્ય રાજ્યના ઓપન બોર્ડના વિદ્યાર્થી તરીકે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા વિદ્યાર્થી અન્ય રાજ્યના ઓપન બોર્ડની ધો.10ની પરીક્ષા પાસ કરો તો પણ તેને ધો.11માં પ્રવેશ માટે યોગ્ય ગણાય નહીં,કારણ કે અન્ય રાજ્યના ઓપન બોર્ડનું કાર્યક્ષેત્ર સંબંધિત રાજ્ય માટે જ હોય છે.જેથી ઓપન બોર્ડમાં માત્ર NIOSને જ માન્ય ગણવાનું રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.જેથી હવે અન્ય રાજ્યના ઓપન બોર્ડમાં ધો.10 પાસ કરી ગુજરાતમાં ધો.11માં પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.માત્ર NIOSમાંથી જ ધો.10 પાસ કર્યું હશે તેવા વિદ્યાર્થીઓ જ રાજ્યમાં ધો.11માં પ્રવેશ માટે લાયક ગણાવામાં આવશે.આ નિર્ણયથી નબળા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોના ઓપન બોર્ડમાંથી પરીક્ષા પાસ કરી ફરી ગુજરાતમાં આવી જતા હતા તેમની પર બ્રેક વાગશે.


