ગાંધીનગર : ગુજરાતમાં કોરોના સંક્રમણની ચોથી લહેરના સંકેતો વચ્ચે દૈનિક સંક્રમિતોની સંખ્યા ઉત્તરોત્તર વધી રહી છે.છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા ૨૨૮ કેસ નોંધાયા છે જે ૨૬ માર્ચ એટલે કે ૧૧૦ દિવસ પછી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં કેસ ઉમેરાયા છે,એમાંય પચાસ ટકાથી વધુ કેસ એકલા અમદાવાદમાં ૧૧૬ કેસ મળી આવ્યા છે.છેલ્લા એક પખવાડિયા કરતાં વધુ સમયથી એકાએક કોરોનાના સંક્રમણનો વ્યાપ સતત વધી રહ્યો છે કોરોનાની અત્યાર સુધીમાં ત્રણ લહેરમાં લોકો સપડાયાં હતાં.એમાં મુખ્ય મહાનગરોમાં કોરોના સંક્રમણ વધારે જોવા મળતું હતું અને પછી ગ્રામ્ય વિસ્તારમાં પ્રસરતું હતું. ચોથી લહેરના અંદેશા વચ્ચે આ વખતે મહાનગરોની સાથોસાથ જિલ્લાઓમાં પણ વત્તાઓછા અંશે સંક્રમિતો મળી રહ્યા છે એની પાછળ અઢી વર્ષથી કોરોનાની પાબંધીઓમાંથી મુક્ત થઇ લોકોએ સગાસંબધીઓ સાથે હરવાફરવા,સામાજિક,ધાર્મિક,રાજકીય મેળાવડાઓનો આનંદ માણ્યો હતો.
હવે ઉનાળુ વેકેશન પૂરું થતાં સૌ પોતાના વતન પરત ફરી વેપારધંધા પર કામે લાગ્યા છે.શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓની ભીડ વધી છે એના કારણે સંક્રમણ મહાનગરોની સાથે ગ્રામ્ય વિસ્તારમાં વકર્યું છે.છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નવા ૨૨૮ કેસમાં અડધાથી વધુ કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે.ગ્રામ્યના બે મળી કુલ ૧૧૬ કેસ અમદાવાદમાંથી મળ્યા છે એમાં મોટાભાગના કેસમાં ટ્રાવેલ હિસ્ટ્રી છે.એટલે કે કોવિડ પ્રોટોકોલના પાલન વગર હરવાફરવાની મોજ માણી પરત ફરેલા નાગરિકો પૈકી કેટલાક બીમાર પડતાં કે કોરોનાના ચિન્હો જણાતા ટેસ્ટ કરાવ્યા હતા.આવા પૈકી ઘણાંના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે એ જ રીતે કાલુપુર અને ગીતા મંદિર વિસ્તારમાં ટેસ્ટિંગ ડોમ પર ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે.આને લીધે રેલવે અને એસટી બસ મારફતે અમદાવાદ આવતા મુસાફરોમાંથી કેસ મળી રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં પણ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા હોવાની પ્રાથમિક વિગતો મળી છે.
અમદાવાદ ઉપરાંત રાજ્યમાં બીજા ક્રમે વડોદરામાંથી નવા ૩૦ કેસ,સુરતમાંથી ૨૬,રાજકોટ ૧૨,જામનગર ૮,ગાંધીનગર ૮,ભાવનગરમાંથી ૧ નવો કેસ ઉમેરાયો છે.આ સિવાય જોઇએ તો નવસારી ૫,ભરૂચ ૪,મહેસાણા,કચ્છ,અમરેલી,મોરબીમાંથી ૨-૨,પંચમહાલ,પાટણ અને પોરબંદર જિલ્લામાંથી એક એક નવો કેસ નોંધાયો છે.છેલ્લા ચોવીસ કલાકમાં ૧૧૭ દર્દી ડિસ્ચાર્જ થયા છે આમ,એક્ટિવ કેસનો આંક ૪ માર્ચ પછી પહેલી વખત વધીને ૧૧૦૦ને પાર થઇ ૧૧૦૨ થયો છે એમાંથી ત્રણ દર્દી વેન્ટિલેટર પર મુકવા પડ્યા છે.


