બેંગલુરુ, તા. 19. જૂન 2022 રવિવાર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આઈટી સેલના સચિવ વી શૈલજાના ઘર પર હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે.કર્ણાટકના પુત્તુરમાં આવેલા તેમના ઘર પર હુમલો કરાયો છે.શૈલજા પર હિન્દુ દેવી દેવતાઓ માટે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવાયો છે.જેના પગલે રોષે ભરાયેલા ટોળાએ ઘર પર હુમલો કર્યો હતો.
હિન્દુ સંગઠનોએ શૈલજા સામે પોલીસમાં પણ ફરિયાદ આપી છે અને પોલીસે તેમની સામે કેસ પણ નોંધી લીધો છે.પોલીસે કહ્યુ હતુ કે, કોંગ્રેસના નેતા સામે બે ધર્મો વચ્ચે દુશ્મનાવટ ઉભી કરવા બદલ અને સમાજમાં શાંતિ ભંગ કરવા બદલ કેસ કરાયો છે.
મળતી વિગતો પ્રમાણે શનિવારે ટોળુ શૈલજાના ઘરે પહોંચ્યુ હતુ અને તેમના બારી બારણાના કાચ તોડી નાંખ્યા હતા.ટોળાએ ઘર પર કાળી શાહી પણ ફેંકી હતી.બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને બરજંગદળે શૈલજા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

