– ગુરૂદ્વારા પર હુમલા બાદ પવિત્ર ગ્રંથ ગુરૂ ગ્રંથ સાહિબને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા
નવી દિલ્હી, તા. 19 જૂન 2022, રવિવાર : ભારત સરકારે અફઘાનિસ્તાનના 100થી પણ વધારે શીખ અને હિંદુ નાગરિકોને ભારતના વીઝા આપવાનો નિર્ણય લીધો છે.આ માટે સરકારે ઈ-વીઝા બહાર પાડ્યા છે.ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા જ એટલે કે, તા. 18 જૂનના રોજ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ ખાતે આવેલા ગુરૂ દ્વારા કાર્તે પરવાન પર આતંકવાદી હુમલાની ઘટના બની હતી. આતંકવાદીઓએ ત્યાં અનેક વિસ્ફોટો કર્યા હતા.
કાબુલના કાર્તે પરવાન શીખ ગુરૂદ્વારા પર આતંકવાદી હુમલો, બોમ્બ વિસ્ફોટમાં 2ના મોત
તે હુમલામાં ગુરૂદ્વારાના મુસ્લિમ સુરક્ષા ગાર્ડનું મૃત્યુ થયું હતું.બહાર કાઢવામાં આવેલા 3 પૈકીના 2 લોકોને ગંભીર અવસ્થામાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.કાર્તે પરવાન ગુરૂદ્વારા કમિટીના મેમ્બર તલવિંદર સિંહ ચાવલાએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હોવાની બાતમી આપી હતી.
પવિત્ર ગ્રંથને સુરક્ષિત બહાર લાવ્યા
ગુરૂદ્વારા પર હુમલા બાદ પવિત્ર ગ્રંથ ગુરૂ ગ્રંથ સાહિબને સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યા હતા.અફઘાની શીખ પવિત્ર પુસ્તકને બહાર લાવવા માટે આગ લાગી હતી તે ઈમારતમાં દાખલ થયા હતા.આ હુમલા બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ તેઓ પવિત્ર ગુરૂદ્વારા પરના હુમલાની ઘટનાથી ખૂબ જ ચિંતિત હોવાનું જણાવ્યું હતું.
હુમલા માટે ISIS ખુરાસાન જવાબદાર
એવું કહેવાય છે કે, કાબુલ ખાતેના ગુરૂદ્વારા પર થયેલા હુમલા પાછળ ISIS ખુરાસાનનો હાથ હતો.સવારે 7:15 કલાકે (ભારતીય સમયાનુસાર સવારે 8:30 કલાકે) થયેલા આ હુમલામાં ગુરૂદ્વારાની રક્ષા કરી રહેલા 3 તાલિબાની સૈનિકો ઘાયલ થયા હતા. હુમલો થયો તે સમયે 25-30 અફઘાની હિંદુઓ અને શીખો ગુરૂદ્વારામાં સવારની પ્રાર્થના માટે ઉપસ્થિત હતા.


