સુરત : દક્ષિણ ગુજરાતમાં મેઘાના આગમન સાથે જ વલસાડ,નવસારી,સુરત અને ડાંગમાં તોફાની બેટિંગ જોવા મળી રહી છે.છેલ્લા ચાર દિવસથી છવાયેલા વરસાદી માહોલ વચ્ચે સોમવારે કડાકા-ભડાકા સાથે વલસાડના ઉમરગામમાં 6 ઈંચ વરસાદ તૂટી પડ્યો હતો.જ્યારે વલસાડ શહેરમાં 4 ઇંચ,વાપીમાં સવા ચાર ઇંચ અને પારડીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.નવસારીમાં પણ વરસાદે બઘડાટી બોલાવી હતી.નવસારીના ખેરગામમાં અઢી ઈંચ,ચીખલી દોડ ઈંચ,ગણદેવી દોઢ ઈંચ,જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ પડ્યો હતો.જ્યારે સુરતના કામરેજમાં અઢી ઈંચ,સુરત સિટીમાં બે ઈંચ,મહુવમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો.તાપી જિલ્લાને બાદ કરતાં દક્ષિણ ગુજરાતના દરેક જિલ્માં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
વલસાડ,નવસારી અને સુરત જિલ્લામાં રવિવારે રાત્રે 2 વાગ્યા બાદ વરસાદ શરૂ થયો હતો.જે સવાર સુધી ધીમી ધારે ચાલુ રહ્યો હતો. વહેલી સવારે વરસાદે વિરામ લીધા બાદ ફરી 9 વાગ્યાની આસપાસ વરસાદે ધબધબાટી બોલાવી હતી.ત્યારબાદ આખો દિવસ કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ પડ્યો હતો.સતત વરસી રહેલા વરસાદને પગલે વલસાડ અને નવસારીના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.જેને કારણે ટુ વ્હીલર ચાલકો પરેશાન થયા હતા.આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા.સવારે નોકરીએ જવા નીકળેલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.

