અમદાવાદ : સ્વર્ગસ્થ પતિની મિલકતનો ભાગ વેચવા માટે પત્નીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.જોકે,ગુજરાત હાઈકોર્ટે પત્નીની અરજી ફગાવી દેતા એવો ચુકાદો આપ્યો છે કે,કુદરતી રીતે એક માતા તેના બાળકોની વાલી હોય છે,તો પણ તેણી યોગ્ય કારણ આપ્યા વગર બાળકોના અભ્યાસના ખર્ચને ઉઠાવવાના હેતુથી તેના સ્વર્ગસ્થ પતિની મિલકતને વેચી શકે નહીં.હાઈકોર્ટનું અવલોકન છે કે,અરજદાર મહિલાએ તેના સગીર પુત્રની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતોને ન્યાયી ઠેરવતી કોઈ બાબતને મૂકી નથી.તેણીએ તેના સ્વર્ગસ્થ પતિની આવક અને તેના બેંક ખાતાની વિગતો પણ આપી નથી.આ સાથે જ હાઈકોર્ટે નીચલી અદાલતના હુકમને યથાવત રાખ્યો છે.
મહિલાના પતિએ વર્ષ 2019માં અન્ય બે વ્યકિતઓ સાથે મળીને મિલકતની ખરીદી કરી હતી.જેમાં મિલકતનો ત્રીજો ભાગ તેની માલિકીનો હતો. જોકે,જાન્યુઆરી-2021માં મહિલાના પતિનુ નિધન થયું હતું.આ પછી તેની પત્ની અને 16 વર્ષનો પુત્ર તેના કાયદેસરના વારસદાર બનેલા.મહિલાને તેના પુત્રના શૈક્ષણિક ખર્ચ માટે પૈસાની જરૂર હોવાથી તેણીએ આ મિલકતમાં પતિનો જે ભાગ છે તે વેચવાની મંજૂરી માગતી અરજી નીચલી અદાલતમાં કરી હતી.આ સમયે મહિલાના વકીલની રજૂઆત હતી કે,તેની પાસે આજીવિકા માટેનુ કોઈ સાધન નથી.સગીર પુત્રના શૈક્ષણિક ખર્ચ અને ભવિષ્ય માટે આ મિલકત વેચવી જરૂરી છે.
જોકે,નીચલી અદાલતે આ અરજીને ફગાવી દીધી હતી.કોર્ટનું અવલોકન હતું કે,અરજદાર મહિલા દ્વારા આ મિલકતને ભાડે આપીને તેમાંથી આવક ઉભી કરી શકાય છે.જેથી વેચવાની મંજૂરી આપી શકાય નહીં.જે હુકમની સામે અરજદાર મહિલાએ હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી,પરંતુ હાઇકોર્ટે પણ મહિલાની અરજી ફગાવી દીધી છે.નોંધનીય છે કે,ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટની કલમ-૨૯ સગીર બાળકોના નામે મિલકત વેચવા,ભેટ આપવા,એક્સચેન્જ અને લીઝ પર આપવા અંગે વાલીના અધિકારોને વ્યાખ્યાયિત કરે છે.સિવિલ કોર્ટની મંજૂરી વગર આ પ્રક્રિયા હાથ ધરી શકાતી નથી.


