નવી િદલ્હી : દેશના ઉત્તર પૂર્વીય રાજ્ય આસામમાં છેલ્લાં એક સપ્તાહથી વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે રાજ્યની તમામ મોટી નદીઓમાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે.ભારે પૂરના કારણે વધુ 11 લોકોએ જીવ ગુમાવ્યા છે.જ્યારે આશરે 47 લાખથી વધુ નાગરિકો અસરગ્રસ્ત બન્યાં છે.રાજ્યમાં પૂરના સંકટને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માને ફોન કરી સ્થિતિની જાણકારી મેળવી હતી.છેલ્લાં એક સપ્તાહથી પૂરની સ્થિતિને કારણે રાજ્યના 36માંથી 32 જિલ્લાઓના 47,72,140 નાગરિકો અસરગ્રસ્ત બન્યાં છે.
મંગળવારે 11 જણાના મોતને પગલે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં રાજ્યમાં પૂર અને લેન્ડ સ્લાઈડિંગને કારણે મરનારાઓનો આંક વધીને 82એ પહોંચ્યો છે.આસામ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા દેબબ્રતા સાઈકીયાએ વડાપ્રધાન મોદી સમક્ષ રાજ્ય માટે રૂ.20,000 કરોડના રાહત પેકેજની માગ કરી છે.પૂરની ગંભીર સ્થિતિને તેમણે રાષ્ટ્રીય આપદા જાહેર કરવા પણ અપીલ કરી છે.આસામમાં પૂરની સ્થિતિ વિકટ બનતાં ભૂવનેશ્વરથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(NDRF)ની ટૂકડીઓ બરાક વેલીમાં પહોંચી હતી.અહીંના કરીમગંજ અને કાચર એ બે જિલ્લામાં નદીઓના ભારે પૂરના કારણે સ્થિતિ અત્યંત ભયજનક બની છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સર્માએ જણાવ્યું હતું કે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની ચાર ટૂકડીઓ આવી પહોંચી છે.પૂરગ્રસ્ત આસામની સહાય માટે બોલિવૂડના સિતારાઓએ મદદનો હાથ લંબાવ્યો છે.હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ પાર્શ્વગાયક સોનુ નિગમ તથા પ્રોડ્યુસર ભૂષણ કુમારે આસામના ચીફ મિનિસ્ટર રિલીફ ફંડમાં અનુક્રમે રૂ.5 તથા રૂ.11 લાખનું ભંડોળ આપ્યું છે.ગયા સપ્તાહે અભિનેતા અર્જૂન કપૂર તથા ડિરેક્ટર રોહિત શેટ્ટીએ રૂ.5-5 લાખનું ભંડોળ આપ્યું હતું.

