– આ પહેલાં છગન ભુજબળ,નારાયણ રાણે અને રાજ ઠાકરેના બળવાએ શિવસેનાને હચમચાવી દીધી હતી
મુંબઈ : શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઓછામાં ૨૦ વિધાનસભ્યો સાથે ગુજરાતના સુરતમાં પડાવ નાખ્યા બાદ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનું ભાવિ ધૂંધળું બન્યું છે.એક અહેવાલ મુજબ શિવસેનાના ૩૦થી વધુ વિધાનસભ્યો સંપર્ક ક્ષેત્રથી બહાર છે.પણ આ પ્રથમ જ વાર શિવેસનામાં બળવો નથી થયો. ૧૯૬૬માં બાળ ઠાકરેએ રચેલી જમણેરી વિચારધારાની આ પાર્ટી અગાઉ પણ આવા આંચકા સહન કરી ચૂકી છે.
છગન ભુજબળ ૧૯૯૧માં શિવસેનાના ફાયર બ્રાન્ડ ગણાતા છગન ભુજબળે પક્ષ છોડતા ચકચાર જાગી હતી.મઝગાંવથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા ભુજબળે શિવસેનાના ૫૨ વિધાન સભ્યોમાંથી ૧૭ સભ્યોનો ટેકો મેળવ્યો હતો અને તેઓએ શિવસેના(બી) પક્ષની સ્થાપના કરી હતી.ડિસેમ્બર ૧૯૯૧માં ભુજબળ તેમના ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર બાદ શરદ પવાર સાથે એનસીપીમાં જોડાયા.
નારાયણ રાણે
નારાયણ રાણેની એક્ઝિટ પણ શિવસેના માટે આંચકા સમાન હતી.શાખા પ્રમુખમાંથી મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીની સફર ખેડનાર નારાયણ રાણેએ પક્ષમાં ટિકિટો વેંચાતી હોવાની જાહેરાત કરતા તેમને પક્ષમાંથી પાર્ટી વિરોધી પ્રવૃત્તિ માટે બાળ ઠાકરેએ ૨૦૦૫માં બરતરફ કર્યા હતા.રાણેએ ઉદ્ધવ ઠાકરેની નેતાગીરીને પડકારી હતી.રાણે લગભગ ૧૨ વિધાનસભ્યો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.જો કે ૪૦ સભ્યોનો ટેકો મેળવીને શિવસેનામાં ભંગાણ પાડવાની તેમની યોજનાને શિવસેનાએ વિફળ બનાવી હતી.
રાજ ઠાકરે
શિવસેનાને જો કે સૌથી મોટો ફટકો ત્યારે પડયો જ્યારે બાળ ઠાકરેના ભત્રીજા રાજ ઠાકરેએ ૨૦૦૫માં પક્ષ સાથે છેડો ફાડયો.તેણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ની સ્થાપના કરી.તેને મહારાષ્ટ્રમાં ગેમ ચેન્જર માનવામાં આવતો હતો.રાજ ઠાકરેએ શિવસેનામાં આંતરિક લોકશાહીના અભાવનું કારણ આપ્યું હતું.રાજ ઠાકરેએ પણ ઉદ્ધવ સાથે મતભેદ સર્જાતા રાજીનામુ આપ્યું હતું.રાજે શિવસેના છોડવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે મેં માતોશ્રી પાસેથી સન્માન માગ્યું હતું પણ મને તેની બદલે માત્ર અપમાન મળ્યા.


