મુંબઈ, તા. 22 જુન 2022,બુધવાર : મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના બહુમતી ધારાસભ્યો પોતાની સાથે નહીં હોવાનો અહેવાસ થઈ ગયા બાદ રાજીનામું આપી વિધાનસભા ભંગ કરવા રાજ્યપાલને ભલામણ કરવાનો નિર્ણય લઈ લીધો હોવાનું માનવામાં આવે છે.જોકે, ઉદ્ધવ સરકાર લઘુમતીમાં હોવાથી રાજ્યપાલ તેમની આ ભલામણ માનવા બંધાયેલા નથી.તેને બદલે રાજ્યપાલ વિધાનસભામાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે.
એક મહત્વના ઘટનાક્રમ રૂપે શિવસેનાના સંસદસભ્ય અને આઘાડી સરકારના આર્કિટેક્ટમાંના એક સંજય રાઉતે ટ્વિટર પર સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે સરકાર વિધાનસભા વિસર્જનની દિશામાં આગળ વધી રહી છે.હાલની રાજકીય ઉથલપાથલ આપણને વિધાનસભા વિસર્જન તરફ દોરી જઈ રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.બીજી તરફ પર્યાવરણ પ્રધાન અને સીએમ ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ પોતાના ટ્વિટર બાયોમાંથી કેબિનેટ પ્રધાન હોવાનો ઉલ્લેખ હટાવી લઈ સ્પષ્ટ સંકેત આપી દીધો હતો.તેનો અર્થ એ કે ઠાકરે પરિવારે સત્તા બચાવવા કોઈપણ પ્રચાસ કરવાને બદલે ગાદી છોડી દેવાનો ફેંસલો કરી દીધો છે.
હાલ મહારાષ્ટ્રના રાજ્યપાલ કોરોનાને કારણે હોસ્પિટલમાં છે.ગોવાના રાજ્યપાલ પાસે ચાર્જ છે.ઉદ્ધવ સરકાર રાજીનામું આપી દે તે પછી તે લઘુમતીમાં હોવાથી તેની ભલામણ બાંધવા રાજ્યપાલ બંધાયેલા નથી.તેઓ રાજ્યમાં નવી સરકાર રચવાના વિવિધ વિકલ્પો અજમાવી શકે છે.તેઓ વિધાનસભામાં સૌથી મોટા પક્ષ ભાજપને સરકાર રચવા આમંત્રણ આપી શકે છે.ભાજપ શિવસેનાના બળવાખોર શિંદે જૂથના ટેકા સાથેના પત્રો રજૂ કરી સરકાર રચવાનો દાવો રજૂ કરી શકે છે.
આઘાડીનાં બીજા બે મહત્વના ઘટકો એનસીપી અને કોંગ્રેસ શું ભુમિકા અપનાવે છે તે પણ મહત્વનું બનશે.એનસીપી સુપ્રીમો શરદ પવાર સાથે તેમના ઘરે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ નિયુક્ત કરેલા નિરીક્ષક કમલનાથે બેઠક યોજી હતી.તેમાં તેમણે નવી ચૂંટણીઓ પર જોર આપવા કે પછી વિપક્ષમાં બેસવાની વ્યૂહરચના વિચારી હોય તેવું બની શકે છે.
સંજય રાઉતનો સંકેત, વિધાનસભા વિસર્જનની ભલામણ કરશે ઉદ્ધવ સરકાર
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકાર વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી શકે છે.આ સંકેત શિવસેના સાંસદ સંજય રાઉતે આપ્યા.સંજય રાઉતે કહ્યુ, મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય સ્થિતિ વિધાનસભા ભંગ થવા તરફ વધી રહી છે.
શિવસેના નેતા એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સરકારની મુસીબતોને વધારી દીધી છે. એકનાથ શિંદે શિવસેનાના બાગી ધારાસભ્યો સાથે ગુવાહાટીમાં રોકાયા છે.અગાઉ તેઓ મંગળવારે સુરત પહોંચ્યા હતા. શિંદેનો દાવો છે કે તેમની સાથે 40 ધારાસભ્ય છે. શિંદેની સાથે શિવસેનાના 33 અને અન્ય 7 ધારાસભ્ય છે.શિવસેનાના કેટલાક વધુ ધારાસભ્ય પણ શિંદે તરફ જઈ શકે છે.બીજી તરફ શરદ પવારના ઘરે પવાર અને કમલ નાથની મિટિંગ ચાલુ છે, જેમાં તેઓ વિપક્ષમાં બેસવુ કે નવી ચુંટણી માગવી તે નક્કી કરી શકે તેમ છે.
આદિત્ય ઠાકરેનાં બાયોમાં ફેરફાર અને સંદય રાઉતનું નિવેદન.બંને સૂચવે છે કે ઉદ્ધવ રાજીનામાનાં મૂડમાં છે 1 વાગે કેબિનેટ મિટિંગ છે,એમાં કદાચ રાજીનામા તથા વિધાનસભા વિસર્જનની ભલામણની વાત થઈ શકે.


