અમદાવાદ : કાલુપુર વિસ્તારમાં રહેતી સગીરાના ઘરમાં ઘૂસીને બે શખ્સોએ મોબાઇલ ફેંકી દીધા બાદ ગાળો બોલીને સગીરાના કપડાં ફાડીને છેડતી કરી હતી અને હવે દરરોજ હેરાન કરવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે કાલુપુર વિસ્તારમાં રહેતી ૫૧ વર્ષની મહિલાએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં દરિયાપુરમાં રહેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી રાતે મહિલાની દિકરી ઘરે એકલી હાજર હતી આ સમયે બે શખ્સો તેમના ઘરમાં ઘૂસ્યા હતા અને એક શખ્સ ઘર બહાર ઉભો હતો અને બે શખ્સોએ ઘરમાં ઘૂસીને સગીરાનો મોબાઇલ છીનવીને ફેંકી દીધો હતો અને ગાળો બોલીને કપડાં ફાડી કાઢ્યા હતા.
એટલું જ નહી સગીરાએ બુમાબુમ કરતાં આરોપીઓએ જતા જતા હવે દરરોજ હેરાન કરવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે કાલુપુર પોલીસે ત્રણ આરોપી સામે છેડતી સહિતની કલમ હેઠળ ગુનોનોંધ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને લઇને આરોપીઓએ આ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું છે,કાલુપુર પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.


