અમદાવાદ : રથયાત્રાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે જ ઉદયપુરમાં નૂપુર શર્માના સમર્થન વાળી પોસ્ટ કરનાર બાળકના પિતાને બે યુવકોએ છરાના 30 ઘા મારી મારી નાખ્યો.આ ઘટનાને લઈને માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ આજુબાજુના ગુજરાત,મધ્યપ્રદેશ સહિતના રાજ્યો અને દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.એક તરફ રથયાત્રામાં ૧૦ લાખ લોકો રોડ ઉપર ભગવાન જગન્નાથના દર્શન કરવા ઉતરી પડશે ત્યારે જો કોઈ સૂત્રોચ્ચાર કે છમકલું થાય તો શહેરની શાંતિ ડહોળાઈ તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.આ પરિસ્થિતિને લઈને ગાંધીનગર ખાતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,પોલીસ વડા આશિષ ભાટિયા,આઇબીના વડા અનુપમસિંહ,લો એન્ડ ઓર્ડરના વડા તેમજ ગૃહ વિભાગના સેક્રેટરીની મીટિંગ મળી હતી.જેમાં મુખ્યમંત્રી ઓનલાઈન હાજર રહ્યા હતા.
આ મીટિંગમાં ઉદયપુરની ઘટનાને લઈને અમદાવાદની શાંતિ જોખમાઈ નહીં તેવી વ્યવસ્થા કરવા ભાર મૂકાયો હતો.સાથે સાથે લોકોને પણ ઉદયપુરની ઘટનાનો વીડિયો એકબીજાના ગ્રૂપમાં વાયરલ નહીં કરવા માટે ખાસ ડીજીપી દ્વારા તાકીદ કરાઈ છે.તાજેતરમાં જ ધંધુકા ખાતે સોશિયલ મીડિયાની પોસ્ટના મુદ્દે કિશન ભરવાડ નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી તે હત્યા બાદ કેવા પ્રત્યાઘાત પડ્યા હતા તેની સમીક્ષા પણ આ મીટિંગમાં કરવામાં આવી હતી.
રાજ્યના પોલીસવડા અને ગૃહ મંત્રી દ્વારા સોશિયલ મીડિયા પર જે પોસ્ટ અને વિવાદ લખાણ વાયરલ થાય છે તેના ઉપર વોચ રાખવા માટે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમ,સીઆઇડી ક્રાઈમની સાઇબર સેલની ટીમ સહિત સાયબર ક્ષેત્રના જાણકાર અધિકારીઓને કામે લગાડી દેવાયા છે અને કોઈપણ ગ્રૂપમાં કે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર વિવાદાસ્પદ પોસ્ટ વાયરલ થાય તો તરત જ તે પોસ્ટ હટાવી આ પોસ્ટ કરનાર વ્યક્તિને ઝડપી લેવાની કામગીરી કરવામાં આવશે.


