નવી િદલ્હી : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ રાજસ્થાનનના ઉદયપુરમાં બે મુસ્લિમ કટ્ટરવાદીઓ દ્વારા દરજી યુવકની ઘાતકી હત્યાના મામલે ત્રાસવાદ વિરોધ ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ)ધારા હેઠળ કેસ દાખલ કર્યો છે.રાજસ્થાન પોલીસે આ કેસ એનઆઇએને ટ્રાન્સફર કર્યો છે.બીજી તરફ રાજસ્થાનના પોલીસ વડાએ જણાવ્યું હતું કે બેમાંથી એક મુખ્ય આરોપી પાકિસ્તાન સ્થિત સંગઠન દાવત-એ-ઇસ્લામ સાથે લિન્ક ધરાવે છે અને 2014માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.
NIAના પ્રવક્તાએ જણાવ્યું હતું કે NIAની ટીમ ઉદયપુર પહોંચી ગઈ છે અને આ કેસની ઝડપી તપાસ માટેની જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.આરોપીઓએ દેશભરમાં ગભરાટ અને આતંકનો માહોલ ઊભો કરવા માટે સોશિયલ મીડિયામાં આ જઘન્ય કૃત્યનો વીડિયો ફરતો કર્યો હતો.રાજસ્થાનના ડીજીપી એમ એલ લાઠેરે જણાવ્યું હતું કે પોલીસે આ હત્યામાં વધુ ત્રણ લોકોની ધરપકડ કરી છે.રિયાઝ અખતારી અને ઘૌસ મોહંમદે ઇસ્લામના અપમાનનો બદલો લેવા મંગળવારે ઉદયપુરમાં કન્હૈયાલાલનું ગળુ કાપીને નિર્મમ હત્યા કરી હતી.
ઘૌસ મોહંમદ કરાચી સ્થિત ઇસ્લામિક સંગઠન દાવાત-એ-ઇસ્લામ સાથે જોડાયેલો છે.બંને આરોપી આ સંગઠન સાથે જોડાયેલા છે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આવી શક્યતા નકારી શકાય નહીં,કારણ કે બંને સમાન રીતે સંડોવાયેલા છે.આ સંગઠન મુંબઈ અને દિલ્હીમાં ઓફિસ ધરાવે છે.રિયાઝ વેલ્ડર તરીકે કામ કરે છે.કન્હૈયાલાલની હત્યામાં ઉપયોગ કરાયેલા તીક્ષ્ણ હથિયાર ચારથી પાંચ વર્ષ પહેલા રિયાઝે બનાવ્યું હતું.

