મુંબઈ : તા.30 જૂન 2022,ગુરૂવાર : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામુ આપ્યું તે સાથે જ ભાજપમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.ભાજપ પોતે મહાવિકાસ અઘાડી સરકારને પાડી દેવામાં સક્રિયરૂપે સામેલ હોવાનું જાહેર કરવાથી બચતું આવ્યું છે પરંતુ ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ પાર્ટીમાં જે આનંદ છવાયો છે તે અલગ જ વાત સાબિત કરે છે.
જ્યારથી એકનાથ શિંદેની ટોળકીએ બળવો પોકાર્યો ત્યારથી ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મુંબઈના માલાબાર હિલ્સ સ્થિત ઘર પાર્ટીના ટોચના નેતાઓ,ક્ષેત્રીય પાર્ટીના ધારાસભ્યો તથા અપક્ષ ઉમેદવારોના મળવા અને રણનીતિ બનાવવા માટેનું કેન્દ્ર બની ગયું હતું.કોંગ્રેસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે,ફડણવીસનું ઘર ટીમ શિંદે માટે’બેક-એન્ડ ઓફિસ’તરીકે કામ કરી રહ્યું છે.છેલ્લા 8 દિવસોમાં ઓછામાં ઓછા 2 વખત ફડણવીસ ભાજપના કેન્દ્રીય નેતૃત્વને મળવા દિલ્હી આવ્યા હતા.


