શિવસેનાના જે ધારાસભ્યોને વિધાનસભાના મુખ્ય સચિવ રાજેન્દ્ર ભાગવતે નોટિસ પાઠવી છે ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં ભલે એકનાથ શિંદે-ભાજપની સરકાર બની હોય,પરંતુ રાજકીય ડ્રામા સંપૂર્ણપણે શાંત થયો નથી.હવે મહારાષ્ટ્ર વિધાનસભાના મુખ્ય સચિવ રાજેન્દ્ર ભાગવતે એક અભૂતપૂર્વ પગલું ભરતાં શિવસેનાના 55માંથી 53 ધારાસભ્યોને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર,આ નોટિસ વિધાનસભામાં બહુમત પરીક્ષણ દરમિયાન વ્હીપના ઉલ્લંઘન માટે અયોગ્યતા કાયદા હેઠળ જારી કરવામાં આવી છે,જેમાં ધારાસભ્યોને 7 દિવસમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે સોમવારે મહારાષ્ટ્રના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે.શિવસેનાના જે ધારાસભ્યોને વિધાનસભાના મુખ્ય સચિવ રાજેન્દ્ર ભાગવતે નોટિસ પાઠવી છે,તેમાં શિંદે કેમ્પના 39 અને ઉદ્ધવ જૂથના 14 ધારાસભ્યોનો સમાવેશ છે.ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેને નોટિસ જારી કરવામાં આવી નથી.શિંદે જૂથે બાકીના ધારાસભ્યો સામે વ્હીપનું ઉલ્લંઘન કરવા બદલ અયોગ્યતાની કાર્યવાહીની માગ કરી હતી,પરંતુ આદિત્ય ઠાકરેનું નામ સૂચિમાં નથી.
4 જુલાઈના રોજ,ગૃહમાં વિશ્વાસ મત પહેલાં,મુખ્ય દંડક ભરત ગોગાવલે,એકનાથ શિંદે જૂથ વતી,શિવસેનાના તમામ ધારાસભ્યોને સરકારની તરફેણમાં મત આપવા માટે એક લાઇનનો વ્હીપ જારી કર્યો.તે જ સમયે,ઉદ્ધવ ઠાકરે જૂથના મુખ્ય દંડક સુનીલ પ્રભુએ પણ આવો જ વ્હીપ જારી કર્યો હતો,પરંતુ સરકાર વિરુદ્ધ મત આપવાનો નિર્દેશ આપ્યો હતો.મતદાન દરમિયાન,શિંદેએ 164 ધારાસભ્યોની બહુમતી સાથે વિશ્વાસ મત જીત્યો.શિંદે તરફી શિવસેનાના 40 ધારાસભ્યોએ તરફેણમાં મતદાન કર્યું જ્યારે પક્ષના 15 ધારાસભ્યોએ વિરોધમાં મતદાન કર્યું.
આ પછી,ગોગાવલે સ્પીકરને અરજી કરી અને વિરોધમાં મતદાન કરનારા 14 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની માગ કરી.તેમાં આદિત્ય ઠાકરેનું નામ નહોતું.આ પછી હવે વિધાનસભાના મુખ્ય સચિવ વતી નોટિસ જારી કરીને 53 ધારાસભ્યોને યોગ્ય દસ્તાવેજો સાથે જવાબ દાખલ કરવા માટે કહેવામાં આવ્યું છે.એવું પણ કહેવામાં આવ્યું છે કે જો 7 દિવસમાં જવાબ નહીં આપવામાં આવે તો માની લેવામાં આવશે કે ધારાસભ્ય પાસે જવાબ આપવા માટે કંઈ નથી.


