પ્રદર્શનકર્તાઓના રાષ્ટ્રપતિ રાજપક્સેના નિવાસસ્થાને ઘૂસવાના અનેક વિડિયોઝ સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે શ્રીલંકામાં સરકારવિરોધી પ્રદર્શનકર્તાઓએ ગઈ કાલે પણ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્સે અને વડા પ્રધાન વિક્રમાસિંઘેના નિવાસસ્થાન પર કબજો જમાવ્યો હતો.
શનિવારે પ્રદર્શનકર્તાઓએ આ બન્ને જગ્યાએ હલ્લાબોલ બોલાવીને એના પર કબજો કર્યો હતો.વાસ્તવમાં રાષ્ટ્રપતિનું ઘર હવે ટૂરિસ્ટ-સ્પૉટ બની ગયું છે.રાષ્ટ્રપતિના રાજીનામાની સત્તાવાર જાહેરાતની રાહ જોતા લોકોએ તેમના ઘર પર કબજો જમાવ્યો છે.અહીં એકત્ર થયેલા લોકોને પાણી અને ભોજન આપવામાં આવી રહ્યાં છે.રાજપક્સે અત્યારે સંસદના સ્પીકર મહિન્દા યપા અબેવરદેનાની સાથે વાતચીત કરી રહ્યા છે જેમણે શનિવારે રાત્રે જાહેર કર્યું હતું કે રાષ્ટ્રપતિ બુધવારે રાજીનામું સોંપશે.
પ્રદર્શનકર્તાઓના રાષ્ટ્રપતિ રાજપક્સેના નિવાસસ્થાને ઘૂસવાના અનેક વિડિયોઝ સોશ્યલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે.આવા જ એક વિડિયોમાં કેટલાક પ્રદર્શનકર્તાઓ નોટ્સ ગણતા જોવા મળી રહ્યા છે.કેટલાક રિપોર્ટ્સ અનુસાર પ્રદર્શનકર્તાને એ રકમ રાષ્ટ્રપતિના ઘરમાંથી મળી હતી; જેના વિશે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસ બાદ જ ફૅક્ટ બહાર આવશે.
૪૫,૦૦૦ કરોડ રૂપિયા રાજપક્સે પરિવારે વિદેશોમાં મોકલ્યા છે.શ્રીલંકામાં તમામ મુખ્ય પદો પર આ પરિવારે કબજો કર્યો હતો.મહિન્દા વડા પ્રધાન,ગોટાબાયા રાષ્ટ્રપતિ,બાસિલ નાણાપ્રધાન,ચામલ રાજપક્સે સિંચાઈ અને કૃષિપ્રધાન તેમ જ નામલ રાજપક્સે સ્પૉર્ટ્સપ્રધાન.દેશનું ૭૦ ટકા બજેટ આ પાંચેયના કન્ટ્રોલમાં આવી ગયું હતું.૭૦૦ કરોડ ડૉલર એટલે કે ૫૫,૫૦૩.૩૫ કરોડ રૂપિયાની બિનજરૂરી યોજનાઓને પાર પાડવા માટે મહિન્દા રાજપક્સેએ ચીન પાસેથી લોન મેળવી હતી.આ દેવાથી બનેલા ઍરપોર્ટ પર ફ્લાઇટ્સ સુધ્ધાં નહોતી.આ દેવાનું પરિણામ એ આવ્યું કે હંબનટોટા પોર્ટ ૯૯ વર્ષ માટે ચીનને આપવું પડ્યું હતું.૨૦૧૯માં રાષ્ટ્રપતિ ગોટાબાયાએ જનતાને આકર્ષવા ટૅક્સ ઘટાડવાનું શરૂ કર્યું હતું,જેનાથી સરકારની મહેસૂલમાં ખાસ્સો ઘટાડો થયો હતો.વળી શ્રીલંકામાં કમાણીનો મુખ્ય સોર્સ ટૂરિઝમ છે,જેને કોરોનાની મહામારીથી અસર થઈ હતી.


