અંબિકા નદીમાં ફસાયેલા ૧૬ લોકોને ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરાયા,સાપુતારામાં ભેખડ ધસી પડી:વાહનવ્યવહાર અટવાયો:અનેક ગામોમાં પાણી ઘૂસ્યાં એક તરફ ભરતીનો સમય અને બીજી તરફ વરસાદ અને નદીમાં પૂરની સ્થિતિને કારણે ગઈ કાલે વલસાડ અને આસપાસના વિસ્તારના હાલ બેહાલ થયા હતા.એટલું જ નહીં,અંબિકા નદીમાં આવેલા પૂરથી બચવા માટે ધાબા પર ચડી ગયેલા ૧૬ લોકોને ઇન્ડિયન કોસ્ટગાર્ડ,દમણ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા,જ્યારે હીલ સ્ટેશન સાપુતારામાં પડેલા ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં રસ્તો બ્લૉક થઈ જતાં વાહનવ્યવહાર અટવાયો હતો.જોકે વહીવટી તંત્ર દ્વારા ઑપરેશન હાથ ધરીને રસ્તો ખુલ્લો કરાયો હતો.
વલસાડ શહેર અને જિલ્લામાં ભારે વરસાદ અને પૂરને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ થતાં સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું હતું. દરિયામાં ભરતીને કારણે પાણીને જવાની જગ્યા ન મળતાં સ્થિતિ વિકટ બની હતી.વલસાડના કાશ્મીરનગર,દાણાબજાર,છીપવાડ,તરિયાવાડ,બંદર રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.બીજી તરફ ઔરંગા નદીનાં પાણી અનેક ગામમાં ઘૂસી જતાં ભારે હાલાકી સર્જાઈ હતી.પરિસ્થિતિ એ હદે વણસી હતી કે લોકો જીવ બચાવવા ઘર છોડીને બહાર નીકળી ગયા હતા.વલસાડ જિલ્લામાં ભડેલી ગામે અંબિકા નદીના પૂરમાં ફસાયેલા ૧૬ લોકોને ઇન્ડિયન કોસ્ટગાર્ડ,દમણ દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા.
વલસાડ ઉપરાંત ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે સાપુતારાના ઘાટ માર્ગ પર ભેખડ ધસી પડતાં વાહનવ્યવહાર અટવાયો હતો.જોકે સાપુતારાના ઘાટ માર્ગ પર ધસી આવેલાં માટી,પથ્થર અને મલબો હટાવવાની કામગીરી પોલીસના જવાનોએ હાથ ધરી હતી અને વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.


