ડેડિયાપાડા તાલુકામાં ૧૮ ઇંચ અને ઉમરપાડામાં ૧૪ ઇંચ વરસાદ:નર્મદા,વલસાડ,ડાંગ,તાપી સહિતના જિલ્લાઓમાં અનેક ગામ બેટમાં ફેરવાયાં: ૧૦,૬૭૪ લોકોનું સ્થળાંતર કરાયું:રાહત અને બચાવ માટે એન.ડી.આર.એફ.અને એસ.ડી.આર.એફ.ની ૧૮-૧૮ ટીમ તહેનાત
મેઘરાજાએ ગઈ કાલે ગુજરાતના નર્મદા જિલ્લાને ધમરોળ્યું હતું.નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં બારેમેઘ ખાંગા થયા હતા અને ૧૮ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.એટલું જ નહીં,સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પણ મુશળધાર ૧૪ ઇંચ વરસાદ પડ્યો હતો.સાંબેલાધાર વરસાદના કારણે અનેક ગામો બેટમાં ફેરવાયાં હતાં અને જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.બીજી તરફ ગુજરાતમાં છેલ્લા દસ દિવસમાં ૬૩ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે અને ૧૦,૬૭૪ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
ગઈ કાલે મેઘરાજાએ નર્મદા જિલ્લામાં ખાનાખરાબી સર્જી હતી.સાંજે છ વાગ્યા સુધીમાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં ૧૧ ઇંચ જેટલો,નાંદોદમાં ૧૦ ઇંચથી વધુ,સાગબારામાં સાડાઆઠ ઇંચ અને ગરુડેશ્વર તાલુકામાં સાડાપાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.નર્મદા જિલ્લા ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૧૪ ઇંચ વરસાદ અને માંગરોળ તાલુકામાં ૫ ઇંચ,ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૧૦ ઇંચ,આહવા તાલુકામાં ૮ ઇંચથી વધુ અને વઘઈ તાલુકામાં ૫ ઇંચથી વધુ,વલસાડ જિલ્લાના કપરાડામાં ૯ ઇંચ,ધરમપુરમાં સાડાછ ઇંચ,વાપીમાં ૫ ઇંચ,વલસાડમાં ૪ ઇંચથી વધુ,તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૭ ઇંચથી વધુ અને ઉચ્છલ તાલુકામાં ૬ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો.


