રાજ્યના ઘણા વિસ્તારો પાણીમાં:નાગપુરમાં મા-દીકરી તણાઈ ગયાં:પાલઘર,નાશિક,પુણેમાં આવતા ચાર દિવસ જ્યારે ગઢચિરોલીમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી મુંબઈમાં વરસાદે પોરો ખાધો છે અને છૂટાંછવાયાં હળવાં ઝાપટાં પડી રહ્યાં છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના ઘણા વિસ્તારોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે પાણી ભરાય ગયા છે.નાગપુરમાં મા-દીકરી તણાઈ જવાની ઘટના બની હતી.વેધશાળાએ નાશિક,પુણે,પાલઘરમાં આવતા ચાર દિવસ જ્યારે ગઢચિરોલીમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને રેડ અલર્ટ જાહેર કરી છે.ગઢચિરોલીમાં પૂર આવતાં ત્રણ વ્યક્તિ ગુમ થઈ છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે ગઢચિરોલી જઈને પૂરનો અંદાજ લીધો હતો અને અસરગ્રસ્તોને પૂરતી સહાય આપવામાં આવે એવી ગોઠવણ કરવાનો આદેશ અધિકારીઓને આપ્યો હતો.ગઈ કાલે નાશિક જિલ્લાના પેઠમાં ૧૬૮ મિ.મી.,સુરગણામાં ૧૪૦.૫ મિ.મી.,ઇગતપુરીમાં ૧૦૩ મિ.મી.અને ત્ર્યંબકેશ્વરમાં ૯૩ મિ.મી.વરસાદ નોંધાયો હતો.નાશિકનો ગંગાપુર ડૅમ આ ત્રણ દિવસના વરસાદમાં જ ૫૫ ટકા ભરાઈ ગયો છે.ગોદાવરીમાં પાણીની આવક વધતાં ગંગાપુર ડૅમમાંથી ૧૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. એને કારણે નાશિકમાં ગોદાવરી નદીના પટમાં આવેલાં મંદિરો પાણીની નીચે ચાલ્યા ગયાં છે.


