સુરત : ઓલપાડમાં યોજાયેલા મેગા કેમ્પમાં સી.આર. પાટીલે કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા છે.તેટલું જ નહીં, તેમણે કોરોનાકાળમાં મોદી સરકારે કરેલી કામગીરી વિશે પણ માહિતી આપી હતી.એવું કહેવાય છે કે, પહેલાં જ્યારે ચાલુ ભાષણમાં સી.આર. પાટીલને ફોન આવ્યો હતો ત્યારે કેબિનેટમાં મોટા ફેરફાર થયાં હતાં.તેવી જ ઘટના વધુ એકવાર રિપીટ થઈ છે.પાટીલ ભાષણ આપતા હતા ત્યારે અચાનક એક કોલ આવ્યો હતો.
યુદ્ધ માટે શસ્ત્રો તૈયાર છે : પાટીલ
તેમણે આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વિશે જણાવતા કહ્યુ હતું કે, હવે થોડા જ દિવસોમાં ચૂંટણી આવવાની છે.ત્યારે યુદ્ધની તૈયારીઓ થઈ ગઈ છે.બધા જ શસ્ત્રો સજાવી દીધા છે.હવે જ્યારે મેદાનમાં ઉતરીએ ત્યારે કોઈ દયા હોવી જોઈએ નહીં.જીતવું એ એકમાત્ર લક્ષ્ય છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સેનાના સેનાપતિઓ તૈયાર છે.’
નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા : પાટીલ
મોદી પ્રત્યે લોકોનો વિશ્વાસ અકબંધ છે.તેમણે દેશના વિકાસ માટે અનેક નિર્ણય કર્યા છે.છેવાડાના લોકોને લાભ મળે તે માટે અલગ-અલગ યોજનાઓ પણ બહાર પાડી છે.તેટલું જ નહીં, આ છેવાડાના લોકો સુધી લાભ પહોંચે છે કે નહીં તેનું પણ તેઓ ધ્યાન રાખતા હોય છે.તેથી જ દેશમાં નહીં, સમગ્ર વિશ્વમાં માન-પાન અને શાન સાથે નરેન્દ્ર મોદી 75 ટકા મત સાથે પહેલા નંબરે સૌથી લોકપ્રિય નેતા છે.’
મનમોહન સિંઘની સરકાર હોત તો દેશનું શું થાત? : પાટીલ
પાટીલ વધુમાં જણાવે છે કે, ‘લોકોએ તેમના પર વિશ્વાસ કરીને બબ્બે વાર બહુમતી સાથે તેમને વડાપ્રધાન પદ પર બેસાડ્યાં છે.જો કોરોના મહામારીમાં મનમોહન સિંઘ, બોલવું નહીં અને ચાલવું પણ નહીં એવા પ્રધાનમંત્રી હોત તો લોકોની સ્થિતિ શું થાત? લાશોના ઢગલા થયા હોત.આપણે ભેગા પણ ના થઈ શક્યા હોત.એ તો મહામારી વખતે નરેન્દ્ર મોદીની સરકાર હતી જે બહુ દૂરનું વિચારતી હતી.તેથી તેમની સરકારમાં જ ભારતના વૈજ્ઞાનિકોએ એક નહીં પણ બબ્બે રસીની શોધ કરી હતી.મોદી સરકારે તેમને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને જોઈતી મદદ કરી હતી.તેટલું જ નહીં, રસી બનાવ્યા પછી પણ દેશના તમામ લોકોને મફતમાં રસી આપી હતી.’
પાટીલના આપ પર આકરા પ્રહાર
પાટીલે આપ પર આકરા પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે તમામ રૂપિયા લોકોની સેવા માટે આપી દીધાં છે.જ્યારે રેવડીવાળા મહિલાઓને 1000 રૂપિયા આપવાનું કહે છે, બેરોજગારોને મહિને અમુક રકમ આપવાનું કહે છે, જાત-જાતની લોભલાલચો આપે છે.જો આ રેવડીવાળા આવી જાય તો 2.18 લાખ કરોડતો રેવડીઓમાં જ પૂરાં થઈ ગયા હોત.આ અર્બન નક્સલીઓથી ચેતતા રહેજો.’


