ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પાલિકાના 3450 કરોડના લોકાર્પણ અને ખાત મુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામા આવ્યું હતું.સુરત પાલિકાની ચૂંટણીમાં આપનો ઉદય અને ભાજપના નેતાઓના ઓવર રિએક્ટ અને જૂથબંધીના કારણે કાર્યકરો મુંઝવણમાં હતા.પરંતુ ગઈકાલની વડાપ્રધાનની મુલાકાતે કાર્યકરો અને નેતામાં જોમ ભરી દીધું છે.વડાપ્રધાન તબક્કાવાર ભાજપના સિનિયર પણ કોરણે મુકાયેલા અને નવા કોર્પોરેટર અને સંગઠનના નેતાઓને એક પછી એક મળ્યા હતા.
ટૂંકા સમયની આ મુલાકાતના કારણે સુરતનું રાજકારણ ગરમાયું છે.તેમાં પણ ભાષણમાં બે વિધાનસભાની વાત કર્યા વિના તેના વિસ્તારમાં થયેલા વિકાસની વાતે રાજકીય પંડિતોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત વખતે તેઓ સુરત એરપોર્ટ,હેલીપેડ પર જુદા જુદા સમયે જુદા જુદા ગ્રુપને મળ્યા હતા.ગણતરીની મિનિટોમાં વડાપ્રધાને સિનિયર,જુનિયર અને પીઢ નેતાઓ કરેલી વાત લોકોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.છેલ્લા કેટલાક વર્ષોથી સુરતના રાજકારણમાં પડદા પાછળ ધકેલાયેલા નરોત્તમ પટેલ અને એપીએમસી માર્કેટ માજી ચેરમેન રમણ જાનીને મળ્યા હતા.લાંબા સમયથી રાજકારણથી દૂર રહેલા આ નેતાઓને મોદી મળતા અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.સિનિયર અને પીઢ નેતાઓ સાથે સાથે મોદીએ પૂર્વ સ્થાયી અધ્યક્ષ રાજેશ દેસાઈ,પૂર્વ ચેરમેન અને હાલના મહામંત્રી મુકેશ દલાલ તથા પૂર્વ મંત્રી સ્વ. હેમંત ચપટવાલાના પુત્ર કેયુર ચપટવાલા સહિતના અનેક લોકોને નામ સાથે બોલાવ્યા હતા.આ ઉપરાંત ભાજપના તમામ 93 નગર સેવકો સાથે વાત કરી હતી.વડાપ્રધાનની આ મુલાકાતના કારણે ચૂંટાયેલા કોર્પોરેટર,હાલના સંગઠનના પદાધિકારીઓ જૂના જોગીઓ સાથે કરેલી મુલાકાત ઓક્સીજન જેવી સાબિત થઈ રહી છે.વિધાનસભા પહેલા મોદીની મુલાકાત સુરત માટે ઘણી જ મહત્વની સાબિત થશે તેવું ચર્ચાઈ રહ્યું છે.સુરત પાલિકાની ચૂંટણીમાં આપની 27 બેઠક બાદ ભાજપના કેટલાક નેતાઓ ઓવર રિએક્ટ કરી રહ્યાં છે.આ ઉપરાંત છેલ્લા કેટલાક વખતથી સુરત શહેર અને જિલ્લા ભાજપમાં જુથબંધી પણ વકરી રહી છે.આ જૂથબંધીના કારણે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને નુકસાન થઈ શકે છે.આ ઉપરાંત ટિકિટ માટે પણ ભાજપમાં ભારે સ્પર્ધા ચાલી રહી છે આવા સ્થિતિમાં આજની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરતની મુલાકાત ઘણી જ સૂચક સાબિત થઈ રહી છે.
વડાપ્રધાન સુરત એરપોર્ટ પર પ્લેનમાંથી ઉતર્યા ત્યારે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સાથે હતા.ત્યાર બાદ એરપોર્ટ પર હેલિકોપ્ટરમાં જાય તે પહેલાં જિલ્લાના કેટલાક હોદ્દેદારોને બોલાવ્યા હતા તેમની સાથે મુલાકાત કરી હતી.આવી જ રીતે લિંબાયત સ્કુલમાં હેલીપેડ બનાવ્યું હતું તેમાં પણ ભાજપના 93 નગર સેવકો અને ભાજપના હોદ્દેદારો બોલાવ્યા હતા અને ટૂંકી મુલાકાત કરી હતી.સુરતના માજી કોર્પોરેટર રાજેશ દેસાઈ અને ભાજપના મહામંત્રી મુકેશ દલાલ સહિત કેટલાક હોદ્દેદારો-કોર્પોરેટર સાથે ટૂંકી વાત કરી હતી.આવી જ રીતે જિલ્લાના કેટલાક હોદ્દેદારો સાથે પણ ટુંકમાં વાત કરી હતી. અનેક સાથે આવી વાત ના કારણે ભાજપના નેતાઓમાં નવું જોમ આવી ગયું છે.વિધાનસભાની ચુંટણી પહેલાં વડા પ્રધાનની આ મુલાકાત ઉપરાંત શહેર જીલ્લાના હોદ્દેદારો અને પાલિકાના કોર્પોરેટરો સાથેની ઉડતી મુલાકાત ઘણી મહત્વની અને ભાજપમાં આત્મવિશ્વાસ વધારનારી સાબિત થાય તેવું ચર્ચાઈ રહ્યું છે.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના કેટલાક અંશે લોકોને વિચારતાં કરી દીધા છે. મોદીએ પશ્ચિમ અને ઓલપાડ વિધાનસભાનો ઉલ્લેખ કર્યા વિના તે વિસ્તારના વિકાસ ઘણો થયો છે તેવી વાત કરી તે ઘણી સૂચક હોવાનું લોકો ચર્ચાઈ રહ્યા છે.લિંબાયત નીલગીરી ખાતે વડાપ્રધાનની જાહેર સભા હતી પરંતુ તેઓ લિંબાયત વિધાનસભા માટે એક શબ્દ પણ બોલ્યા ન હતા.પરંતુ ભાજપ માટે ગુજરાતની સૌથી સલામત ગણાતી એવી પશ્ચિમ વિધાનસભા બેઠક માટે તેઓ વખાણ કર્યા હતા.નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, સુરતના પાલ,અડાજણ,જહાંગીરપુરા,પાલનપોર જેવા વિસ્તારમાં વિકાસની તેજ ગતી છે અને હજી વિકાસ થઈ રહ્યો છે.આવી જ રીતે તેઓએ ઓલપાડ વિધાનસભાના ઓલપાડ અને સાયણ તથા આસપાસના વિસ્તારમાં વિકાસે ગતિ પકડી હોવાનું કહ્યું હતું.
પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાલ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી છે અને સી.આર.પાટીલના વિરોધી જૂથ ના ગણાય છે.
થોડા સમય પહેલાં તેમના મંત્રાલયના વિભાગમાં પણ ફેરફાર કરાયા હતા.પરંતુ આજે તેમની કામગીરીના વખાણ કરતાં અનેક અટકળો તેજ થઈ ગઈ છે.


