ગુજરાત ભાજપ પ્રદેશ નેતાગીરીની જીદના કારણે સુરતમાં કોળી પટેલ મતદારોનું પ્રભુત્વ ધરાવતી ચોર્યાસી વિધાનસભા બેઠક પર કોળી પટેલને પ્રતિનિધિત્વ ન મળતાં ભાજપમાં ભડકો થયો છે.ભાજપના પ્રદેશ પ્રમુખે તેમના અંતગ ગણાતા અને અનેક સંસ્થામાં હોદ્દો ધરાવતા સંદિપ દેસાઈ ની ટિકિટ અપાવતાં ચોર્યાસી વિધાનસભાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ભાજપના કોળી પટેલ કાર્યકરો હજી પણ ઉમેદવાર બદલવા માટેની માગણી કરી રહ્યાં છે.જોકે, પ્રદેશ નેતાગીરી ના સીધા આર્શીવાદ હોવાથી ભાજપના કાર્યકરો આ વિરોધનો વંટોળ થોડા સમયમાં સમી જશે તેવી અટકળો થઈ રહી છે.
ભાજપે કોળી પટેલ ઉમેદવારને કાપીને દેસાઈ ઉમેદવાર જાહેર કર્યા
વિધાનસભા 2022 માટે સુરતના ઉમેદવાર જાહેર કરવા સાથે ઉધના,કામરેજમાં વિરોધ થયો હતો ત્યારબાદ ગુંચમાં પડેલી ચોર્યાસી વિધાનસભા માટેના ઉમેદવાર જાહેર થતાં ભાજપમાં ભડકો થયો છે.કોળી પટેલ મતદારો નિર્ણાયક છે તેવી ચોર્યાસી બેઠક ઉપરથી કોંગ્રેસ અને આપે કોળી પટેલ ઉમેદવાર જાહેર કર્યા છે જ્યારે ભાજપે કોળી પટેલ ઉમેદવારને કાપીને દેસાઈ ઉમેદવાર જાહેર કર્યા છે.ભાજપે સંદિપ દેસાઈને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તે સંદિપ દેસાઈ એપીએમસી માર્કેટ,સુરત ડિસ્ટ્રિક્ટ બેંક,સુમલ સહિત અનેક સહકારી સંસ્થામાં હોદ્દો ધરાવે છે પરંતુ તેઓ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના અંતગ હોવાથી તેમની ટિકિટ ફાઈનલ થઈ છે.
ઉધના બેઠક પર ભાજપ સામે ચૂંટણી જીતેલા અને વિધાનસભામાં ભાજપ સામે અપક્ષ લડેલા મનુ પટેલને ટિકિટ આપતા ઉધના વિસ્તારમાં હજી વિવાદ ચાલુ જ છે.મનુ પટેલ ઉધના મત વિસ્તારમાં આવતા નથી.આ વિસ્તારના અનેક દાવેદાર હતા છતાં ભાજપની નેતાગીરીએ સારા નહી પરંતુ મારા ઉમેદવારની પસંદગી કરી ઉમેદવાર મુક્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ઉધના નો વિરોધ શાંત પડે તે પહેલાં ચોર્યાસી વિધાનસભામાં પણ સંદિપ દેસાઈ ના નામ સામે ભડકો થયો છે.આ વિધાનસભામાં ઝંખના પટેલ 1.10 લાખની લીડથી જીત્યા હોવા છતાં તેઓ પ્રદેશના નેતાની ગુડ બુકમાં ન હોવાથી તેમની ટિકિટ કાપવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.બીજી તરફ સંદિપ દેસાઈ જ્ઞાતિ સમીકરણ માં ન બેસતા હોવા ઉપરાંત અનેક જગ્યાએ હોદ્દો ધરાવે છે તેમ છતાં તેમની પસંદગી કાર્યકરોમાં વિરોધનું કારણ બની રહી છે.ચોર્યાસી વિધાનસભા ના કાર્યકરો હજી પણ ઉમેદવાર બદલી કોળી પટેલ ને ટિકિટ મળે તેવી માગણી કરી રહ્યાં છે.જોકે, ભાજપનો અત્યાર સુધીનો ક રેકોર્ડ જોતાં આવા વિરોધનો કોઈ અર્થ રહેશે નહીં તેવી શક્યતા વધી રહી છે.
ઉધના,કામરેજ અને ચોર્યાસી વિધાનસભામાં ભાજપના ઉમેદવારોનો વિરોધ
હાલમાં ઉધના,કામરેજ અને ચોર્યાસી વિધાનસભામાં ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે અને પ્રદેશ નેતાગીરીની કોળી પટેલને કાપવાની જીદ ભાજપ માટે મુશ્કેલી બની શકે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.ભાજપ હાલ ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસ કરી રહી છે પરંતુ આ વિરોધ કેટલો નુકસાન કરાવી શકે છે તે તો મત ગણતરી બાદ જ ખબર પડશે.


