અમદાવાદ : આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઈલેક્શન પહેલાં મફતની રેવડી આપવાનો વાયદો કર્યો,પરંતુ ગુજરાતની જનતાએ તેને નકારી કાઢ્યો હતો.આપ સુરતને પોતાનો ગઢ ગણતું હતું અને અરવિંદ કેજરીવાલે તો લેખિતમાં ગેરેન્ટી આપી કે આપની સરકાર બનશે.પરંતુ ગાજ્યા મેઘ વરસ્યા નહીં.જો કે, આજે રિઝલ્ટ ન દિવસે ગુજરાતની જનતાએ ચોખા શબ્દોમાં તેમને કહી
દીધું છે કે, અમને મફતમાં કંઈપણ નથી જોઈતું.અરવિંદ કેજરીવાલનો જાદુ ન ચાલ્યો,ઈસુદાન ગઢવી પણ લોકોમાં વિશ્વાસ ન જગાડી શક્યો.પરિણામે આજે આમ આદમી પાર્ટીએ ભૂંડી હારનો સામનો કરવો પડ્યો.એક નજર કરીએ AAP લીડર્સના પ્રદર્શન પર.
ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના CM ફેસ ઈસુદાને હારનો સામનો કરવો પડ્યો છે.ખંભાળિયા બેઠક પર ઈસુદાનનો ભાજપના મૂળુ બેરા સામે પરાજય થયો છે.
ગોપાલ ઇટાલિયા
સુરત શહેરની હાઈપ્રોફાઈલ ગણાતી કતારગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઈ મોરડિયાની જીત થઈ છે.આ બેઠક પર આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સાથે તેમનો મુકાબલો હતો.જો કે ગોપાલ ઈટાલિયાનો પરાજય થયો છે. ચૂંટણી પંચના આંકડા પર નજર નાંખીએ તો,ભાજપ ઉમેદવાર વિનુ મોરડિયાને 89,347 મત મળ્યા છે.જ્યારે બીજા ક્રમે રહેલા ગોપાલ ઈટાલિયાને 43,582 મત મળ્યા છે.જો મતની ટકાવારી પ્રમાણે જોઈએ તો,ભાજપ ઉમેદવારને 58.94 ટકા મત મળ્યા હતા.જ્યારે આપના ઉમેદવારને 28.75 ટકા મત મળ્યા છે.આ સિવાય કોંગ્રેસ ઉમેદવાર કલ્પેશભાઈ વારિયાને માત્ર 10.6 ટકા મત જ મળ્યા છે.
અલ્પેશ કથિરિયા
અલ્પેશ કથિરિયાને વરાછા રોડ વિધાનસભા બેઠક પર ભાજપના કુમાર(કિશોર) કાનાણીએ પછાડી દીધા છે.એવું લાગતું હતું કે અલ્પેશ કથિરિયા જીતી જશે,પરંતુ કાનાણીની આ બેઠક પર સતત ત્રીજીવાર જીત થઈ છે.કિશોર કાનાણીને 66785 વોટ મળ્યા, જયારે ઇટાલિયાને 50031 વોટ મળ્યા હતા.
ધાર્મિક માલવિયાસુરતની ઓલપાડ વિધાનસભા બેઠક પર આપના ધાર્મિક માલવિયાએ હારનો સામનો કરવો પડ્યો છે.આ બેઠક પર ભાજપના મુકેશ પટેલે જીત મેળવી છે.
ચૈતર વસાવા
ડેડિયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટી માટે સારા સમાચાર સામે આવ્યા છે.તેમના ઉમેદવાર ચૈતર વસાવાએ અહીં સીટ જીતી લીધી છે.તેને 82 હજારથી વધુ મત મળ્યા છે.તેણે આ બેઠક પરની જંગ માટે ભાજપના હિતેશ વસાવા અને કોંગ્રેસના જેરમાબેન વસાવાને માત આપી છે.
રાજેન સોલંકી
ભાવનગર પશ્ચિમની બેઠક પર AAPના રાજેન સોલંકીનો કારમો પરાજય થયો છે.ઈલેક્શન કમિશન અનુસાર 2 વાગ્યા સુધીમાં આ બેઠક પર ભાજપના જીતુ વાઘાણી 31425 મતોથી આગળ છે અને બીજા નંબરે કોંગ્રેસના કિશોરસિંહ ગોહિલ છે.અહીં રાજેન સોલંકીની હાર નિશ્ચિત છે.
વસરામ સાગઠિયા
રાજકોટના ગ્રામીણ વિધાનસભા બેઠકમાં ભાજપના ભાનુબેન બાબરીયાની જીત થઈ છે.આ બેઠક પરથી આપના વશરામ સાગઠિયા લડ્યા હતા,જો કે તેઓ જીતી શક્યા નહીં.તેઓ 48 હજારના માર્જિનથી હાર્યા છે.
સાગર રબારી
બેચરાજી બેઠક પર AAPના સાગર રબારીએ હારનો સામનો કર્યો છે.અહીં ભાજપના સુખાજી ઠાકોરની ભવ્ય જીત થઈ છે.


